World

700ની ધરપકડ, 3ને ફાંસીએ લટકાવ્યાઃ યુદ્ધવિરામ બાદ ઈરાનમાં શું ચાલી રહ્યું છે..

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયો હોવા છતાં તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ઈઝરાયલ માટે જાસૂસી અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ત્રણ લોકોને ફાંસી આપી દીધી.

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર ઈરાન દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ ઇદ્રીસ અલી, આઝાદ શોજૈઈ અને રસૂલ અહેમદ રસૂલે હત્યા માટે વપરાયેલા સાધનો ઈરાન લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં ત્રણેય આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવામાં આવી હતી અને બુધવારે સવારે ઉર્મિયા શહેરમાં સજા તરીકે તેમને ફાંસી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ઉર્મિયા ઈરાનનું ઉત્તરપશ્ચિમ શહેર છે, જે તુર્કીની સરહદની નજીક આવેલું છે. ફાંસીની પુષ્ટિ કરતા ઈરાની મીડિયાએ જેલના કપડામાં ત્રણ આરોપીઓની તસવીરો પણ જાહેર કરી છે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે ઈરાને આવું પગલું ભર્યું હોય. ઈરાન ઘણીવાર ઈઝરાયલ અને અન્ય વિદેશી ગુપ્તચર એજન્સીઓ માટે જાસૂસી કરવાના શંકાસ્પદ લોકોની ધરપકડ અને મૃત્યુદંડની સજાની જાહેરાત કરે છે.

આ અગાઉ 13 જૂન 2025 ના રોજ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી ઈરાને ઈઝરાયલ માટે કામ કરનારાઓ સામે ઝડપી અને કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. આ ક્રમમાં કેટલાક આરોપીઓને રવિવાર અને સોમવારે પણ ફાંસી આપવામાં આવી હતી.

ઈરાને 12 દિવસના યુદ્ધમાં 700 લોકોની ધરપકડ કરી
દરમિયાન તાજેતરના 12 દિવસના ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન ઈરાને ઈઝરાયલ સાથે સંબંધ રાખવાના આરોપમાં 700 લોકોની ધરપકડ કરી છે. આ માહિતી રાજ્ય સમર્થિત મીડિયા એજન્સી ‘નૂર ન્યૂઝ’ દ્વારા આપવામાં આવી હતી.

ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ
રોઇટર્સના અહેવાલ મુજબ આ બધા પર ઇઝરાયલની ગુપ્તચર એજન્સી ‘મોસાદ’ સાથે સંકળાયેલા હોવાનો, ગુપ્ત માહિતી શેર કરવાનો અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં મદદ કરવાનો આરોપ છે. ઈરાનનું કહેવું છે કે આમાંના ઘણા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને કેટલાકને ટૂંક સમયમાં સજા થઈ શકે છે. અગાઉ પણ ઈરાને આરોપ લગાવ્યો હતો કે યુદ્ધ દરમિયાન ઘણા આંતરિક નેટવર્ક ઇઝરાયલ માટે કામ કરી રહ્યા હતા, જે પકડાઈ ગયા છે.

Most Popular

To Top