સાબરકાંઠાઃ આજે બુધવારે વહેલી સવારે હિંમતનગર પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘુસી જતા 7 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. એકની હાલત ગંભીર છે.
નજરે જોનારાઓએ કહ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે ઈનોવા કારનું પડીકું વળી ગયું હતું. કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી. મૃતદેહો બહાર કાઢવા ગેસ કટરથી કારના પતરાં કાપવા પડ્યાં હતાં.
વધુમાં મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે બુધવારે તા. 25 સપ્ટેમ્બર 2024ના રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘુસી ગઈ હતી. અથડામણની ગણતરીની સેકન્ડમાં કારનું પડીકું વળી ગયું હતું. જોરદાર અવાજ આવતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં કારની અંદર બેઠેલા 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
ઘટનાની જાણ થતાં હિંમતનગર પોલીસનો કાફલો દોડી ગયો હતો. તમામ મૃતકો અમદાવાદના હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ સૂત્રોએ કહ્યું કે, જીજે01આરયુ0077 નંબરની ઈનોવા કાર ફૂલસ્પીડમાં શામળાજી તરફથી અમદાવાદ રૂટ પર દોડી રહી હતી. ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર ટ્રેલર સાથે પાછળથી ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા 7 લોકોના મોત થયા છે, જ્યારે 1 ગંભીર છે. તેની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તના પિતા વહેલી સવારે અમદાવાદથી હિંમતનગર દોડી આવ્યા હતા.
મૃતકોમાં ધનવાની ચિરાગ, રોહિત, સાગર ઉદાની, રાહુલ, બર્થ, ગોવિંદ અને રોહિતનો સમાવેશ થાય છે. મૃતકોના મૃતદેહ હિંમતનગર સિવિલ ખસેડાયા છે. ઈજાગ્રસ્ત હની તોતવાની (ઉં.વ.22, કુબેરનગર અમદાવાદ)ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.