Madhya Gujarat

કપડવંજમાં યુવકની હત્યામાં એક જ કુટુંબના 7 સભ્યને આજીવન કેદ

નડિયાદ: કપડવંજ તાલુકાના નારના મુવાડામાં ત્રણેક વર્ષ અગાઉ ઉકરડા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલાં એક પરિવારના સભ્યોએ સામેપક્ષના દંપતિ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નિને ઈજા પહોંચી હતી. આ કેસ કપડવંજ કોર્ટમાં ચાલ્યો હતો. દરમિયાન આઠ આરોપી પૈકી એકનું ટ્રાયલ દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી કોર્ટે બાકીના સાતેય આરોપીઓને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

કપડવંજ તાલુકાના નારના મુવાડા ખાતે રહેતા ૩૫ વર્ષિય વિનોદભાઈ જેઠાભાઈ પ્રજાપતિના ઘરની પાછળ ઢોર-ઢાંખરના છાણનો ઉકરડો આવેલો હતો. આ ઉકરડા ઉપર ગામમાં જ રહેતા ભવાનભાઈ બુધાભાઈ પરમારે કપાસની ઘાસડીઓ નાખી ઉકરડો દબાવી દીધો હતો. જેથી તારીખ ૫ મે ૨૦૨૦ ના રોજ વિનોદભાઈ અને ભવાનભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ભવાનભાઈ અને તેમના કૌટુંબિક સભ્યો વિજયભાઈ બાબુભાઈ પરમાર, અજયભાઈ બાબુભાઈ પરમાર, બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ જીવાભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ સોમાભાઈ પરમાર, જયેશભાઈ ઉર્ફે ભગાભાઈ ઉદાભાઈ પરમાર, અલ્પેશ ઉર્ફે સંજય વિઠ્ઠલભાઈ પરમાર અને સુનિલ જયંતીભાઈ પરમારે એકસંપ થઈને વિનોદભાઈ પ્રજાપતિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

તેમજ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલાં વિનોદભાઈના પત્નિ તેમજ શંકરભાઈ ઐતાભાઈ પ્રજાપતિ, શીષભાઈ શંકરભાઈ પ્રજાપતિ અને રમીલાબેન મહેન્દ્રભાઈ પ્રજાપતિને પણ મારમારીને ઈજા પહોંચાડી હતી. જે બાદ હુમલાખોરો પથ્થરમારો કરીને ભાગી ગયાં હતાં. આ હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં વિજયભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે શિતલબેન પ્રજાપતિની ફરીયાદને આધારે કપડવંજ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આઠેય હુમલાખોરોની ધરપકડ કરી હતી. જે બાદમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કેસ કપડવંજ કોર્ટના સેશન્સ ન્યાયાધીશ વિ.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલ્યો હતો. ટ્રાયલ દરમિયાન અલ્પેશ ઉર્ફે સંજયભાઈ વિઠ્ઠલભાઈનું અવસાન થયું હતું. જેથી બાકીના સાત આરોપીઓ ઉપર કેસ ચાલું હતો. જેમાં ન્યાયાધીશે આ ઘટનામાં ઘાયલ થયેલાં ત્રણ વ્યક્તિઓની જુબાની, મેડીકલ એવિડન્સ સહિત અન્ય પુરાવાઓ તેમજ સરકારી વકીલ મિનેશ પટેલની દલીલોને ધ્યાનમાં રાખી આરોપી ભવાનભાઈ ઉર્ફે લાલો બુધાભાઈ પરમાર, વિજયભાઈ બાબુભાઈ પરમાર, અજયભાઈ બાબુભાઈ પરમાર, બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ જીવાભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ સોમાભાઈ પરમાર, જયેશભાઇ ઉર્ફે ભગાભાઈ ઉદાભાઈ પરમાર અને સુનીલભાઈ જયંતિભાઈ પરમારને કસુરવાર ઠેરવી, આજીવન કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે. તદુપરાંત મૃતક વિનોદભાઈના પત્નિને વીકિટમ કોમ્પન્શેસન સ્કીમ અન્વયે રૂ.બે લાખનું વળતર ચુકવવા પણ ચુકાદામાં ઉલ્લેખ કર્યો છે.

કયાં ગુનામાં કેટલી સજા ?
આઈ.પી.સી કલમ 302 સાથે વાંચતા કલમ 149 ના ગુનામાં સાતેય આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ.5000 દંડ, જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા.
આઈ.પી.સી કલમ 323, 337 સાથે વાંચતા કલમ 149 ના ગુનામાં સાતેય આરોપીઓને એક વર્ષની કેદની સજા અને રૂ.1000 દંડ, જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા.

Most Popular

To Top