Gujarat

વડોદરામાં જેલના 7 કેદીઓએ મારામારી બાદ ફિનાઈલ પીધું પછી…

વડોદરા: વડોદરાની સેન્ટ્રલમાં કેદીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થાય તેવી ઘટના સામે આવી છે. સાત અન્ડરટ્રાયલ કેદીઓએ મારામારી કર્યા બાદ ફિનાઈલ પી લેતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પોલીસે જણાવ્યું હતું કે, વિવિધ ગુનાહિત કેસોમાં આ અન્ડરટ્રાયલ આરોપીઓએ મારામારી કરી હતી. આ દરમિયાન તેઓએ જેલર પર હુમલો પણ કર્યો હતો.

જેલમાં ત્રાસ આપી હેરાન કરવામાં આવે છે: આરોપી
આપઘાત કરનાર આરોપી હર્ષિલે તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, મને જેલમાં ત્રાસ આપી હેરાન કરવામાં આવે છે. મને હાઈ સિક્યોરિટીમાં મૂકી દીધો છે. સાહેબ મારી પાસેથી હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા માટે પૈસાની માગણી કરે છે. અન્ય કેદીએ જણાવ્યું હતું કે, સુપરિટેન્ડેન્ટ બહુ ત્રાસ છે. જેલમાં બહુ ત્રાસ આપી રહ્યા છે. બહાર નીકળવા દેતા નથી. બંધ રાખે, ટિફિન ન આવવા દે, ટિફિન આવે તો અલગ કરી નાંખે, ગેટથી અમારું ટિફિન ઢોળી નાંખે, જમવાનું પુરું ન આવવા દે, આથી અમે કાળી ફિનાઈલ પીધી છે. બધા કાચા કામના કેદી છે.

જેલમાં ટીફીન બાબતે થઇ હતી મારામારી
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેકન્ડ ઝોન) અભય સોનીએ જણાવ્યું હતું કે ગુજરાત ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ એક્ટ હેઠળ આરોપોનો સામનો કરી રહેલા અન્ડરટ્રાયલ કેદીઓને બહારથી ખાવાનું મંગાવવાની મંજૂરી નથી, જ્યારે અન્ય કેદીઓને આ સુવિધા આપવામાં આવે છે. જેથી જેમને આ સુવિધા આપવામાં આવી નથી તેઓ અન્ય અંડરટ્રાયલના ટિફિન લઇ લે છે અને તેમની સાથે રાખે છે. જ્યારે જેલ સત્તાવાળાઓને આ અંગેની જાણ થઈ તો તેઓએ આ કેદીઓને અલગ બેરેકમાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મારામારી શરૂ થઈ હતી. જેના વિરોધમાં સાત કેદીઓએ ફિનાઈલ પી લીધું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે અંડરટ્રાયલ લોકોએ જેલર પર પણ હુમલો કર્યો હતો, જેના પગલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેની સામે રમખાણો, સરકારી કર્મચારી પર હુમલો કરવા, ગેરકાયદેસર રીતે સભા કરવા અને અન્ય કલમો માટે એફઆઈઆર નોંધવામાં આવી છે. બુધવારે રાત્રે ફિનાઈલ પીનારા સાત કેદીઓને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓની હાલત સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.

ક્યાં કેદીઓએ ફિનાઈલ ગટગટાવ્યું ?
જેલમાં કાચાકામ કામના કેદીઓમાં હર્ષિલ લીંબાચિયા, અભિ આનંદ ઝા, માજીદ ભાણ, સલમાનખાન પઠાણ, સાજીદ અક્બર કુરેશી, સોહેબ કુરેશી તથા અન્ય એક કેદી એમ કુલ 7 કાચા કામના કેદીએ ફિનાઈલ ગટગટાવી લેતા જેલ સંકુલમાં અફરાતફરી મચી હતી. જેલમાં કાચા કામના કેદીઓએ ફિનાઈલ ગટગટાવી લીધું હોવાની જાણ તેઓના પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પરિવારજનોએ પણ જેલ સત્તાધિશો સામે રોષ ઠાલવ્યો હતો.

Most Popular

To Top