Gujarat

ખ્યાતિ કાંડ બાદ રાજ્યની 7 હોસ્પિટલ સસ્પેન્ડ, 4 ડોક્ટર સામે પણ કાર્યવાહી

અમદાવાદઃ મેડિકલ કેમ્પમાં ચેકઅપ માટે આવેલા દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી દઈ મોતને ઘાટ ઉતારનાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ચકચારી કાંડ બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરાયો હતો.

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા પીએમજેએવાય યોજના હેઠળ રૂપિયા ઉસેટી લેવા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યા બાદ હવે આરોગ્ય વિભાગે ગોબાચારી કરતી રાજ્યની હોસ્પિટલોને શોધી કાઢવામાં આવી છે અને આવી 7 હોસ્પિટલોને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 4 ડોક્ટરો સામે પણ કાર્યવાહી કરાઈ છે.

PMJAY કૌભાંડ હેઠળ આરોગ્ય વિભાગે સાત ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ ઉપરાંત હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ચાર ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે.

આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ જો અન્ય કોઈ હોસ્પિટલ કે ડૉક્ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ તમામ હોસ્પિટલ અને ડૉક્ટર્સ સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

શું હતી સમગ્ર ઘટના?
કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં દર્દી કે તેમના સગાંને પૂછ્યા વિના જ તેઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા.

સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પરિવારે હોસ્પિટલમાં સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે.

Most Popular

To Top