બારડોલી: બારડોલીના વાઘેચા ગામે તાપી નદીમાં નાહવા પડેલા સુરતના સાત મિત્રો પૈકી બે જણા ડૂબી ગયા હતા. બારડોલી ફાયરની ટીમે શોધખોળ આદરી હતી. જો કે, મોડી રાત સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં રહેતા સાત મિત્રો મહમદ કૈફ સલામત અલી રાયન (ઉં.વ.19) (રહે., ઓમનગર સોસાયટી, લિંબાયત, સુરત), શિરતાજ અલી શેર અલી રાયન (ઉં.વ.18) (રહે.,ખાનપુરા સોસાયટી, લિંબાયત, સુરત), સૈફ સલામત અલી રાયન (ઉં.વ.20) (રહે., ઓમનગર, લિંબાયત, સુરત), કાસીમ મહેંદી હસન રાયન (ઉં.વ.23) (રહે., ખાનપુરા સોસાયટી, લિંબાયત, સુરત), મોહમ્મદ સાહિલ મોહમ્મદ નસીમ રાયન (ઉં.વ.22) (રહે., રાજીવનગર, લિંબાયત, સુરત) અને નેહાલ કરીમ રાયન (ઉં.વ.21) (રહે., અલનૂર રેસિડેન્સી, લિંબાયત, સુરત) બુધવારે બારડોલીના વાઘેચા ગામે ફરવા માટે આવ્યા હતા.
ગરમી પડતી હોવાથી સાતેય યુવકો તાપી નદીમાં નાહવા માટે ઊતર્યા હતા. એ સમયે મહમદ કૈફ અને શિરતાજ અલી અચાનક ડૂબવા લાગતાં અન્ય યુવકો બહાર નીકળી આવ્યા હતા અને મદદ માટે બૂમાબૂમ કરી હતી. સ્થાનિકોએ ડૂબેલા યુવકોને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ બંને ઊંડા પાણીમાં ગરક થઈ જતાં બારડોલી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં બંનેની ભાળ મળી શકી ન હતી. પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
ડુંગરામાં તાપી નદીમાં નાહવા પડેલા બેનાં મોત
કામરેજ: ડુંગરા (Dungra) ગામે તાપી નદીમાં (Tapi river) પૈકી એક બાળક અને યુવાન નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. બંને મૃતદેહને (Deadbody ) શોધવા સ્થાનિક તરવૈયા તેમજ ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી. અંતે મોડી સાંજે બંનેની લાશ મળી આવી હતી.
મૂળ ભાવનગરના પાલીતાણાના રહેવાસી અને હાલ સુરતના હીરાબાગ પાસે આવેલી તિરુપતિ સોસાયટીમાં મકાન નં.303માં રહી રત્નકલાકાર તરીકે કામ કરતા હરેશ મનસુખ વાનાણી બુધવારે ભીમ અગિયાસ હોય અને હાલ હીરાના કારખાનામાં રજા હોવાથી બોટાદ ખાતે રહેતા મિત્રના પુત્ર સિદ્ધાર્થ મનસુખ સાબવા (ઉં.વ.21), તેમની પત્ની હેપ્પી, હરેશભાઈની પત્ની કોમલ, બે સંતાન માહી (ઉં.વ.9) અને રૂદ્ર સાથે કામરેજના ડુંગરા ગામે તાપી નદીના કિનારે સાંજે 4.30 કલાકે નાહવા માટે આવ્યા હતા.
તમામ તાપી નદીના કિનારે પાણીમાં નાહવા જતાં અચાનક માહી અને સિદ્ધાર્થ તાપી નદીના પાણીમાં ડૂબી જતાં બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકો દોડી આવી ડુંગરા ગામના તરવૈયા પાણીમાં બંનેની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં આખરે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અંતે સ્થાનિક તરવૈયાઓને મોડી સાંજે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.