Vadodara

7 દિવસના ગૂમ બાળકને બિહારમાં વેચી દેવાયું

વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ભાવનગરપુરામાં ગુમ થયેલુ 7 દિવસનું નવજાત બાળક આજે સાતમાં દિવસે બિહારથી મળી આવ્યું છે. બાળકને આર્મી પરિવારના નિઃસંતાન દંપતીને 4 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હોવાનો તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ કેસમાં 6 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગત 20 ઓક્ટોબરના રોજ રાતે માતા  પોતાના પિતાના ઘરના આગળના ભાગે કાચા ઝુંપડામાં ખાટલા પર નવજાત બાળક સાથે સૂતા હતા.

રાતે 2 વાગ્યાની આસપાસ માતાએ પડખું ફેરવી હાથ ફેરવતા બાળક મળી ન આવ્યું હતું. જેથી માતાએ બાળક મળતું ન હોવાની જાણ પરિવારને કરી આસપાસ શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં બાળકનો કોઈ પત્તો ન મળતા આખરે પોલીસને જાણ કરાઇ હતી. લીલોરા ગામના રહેવાસી પૂનમભાઇ ટીનાભાઇ દેવીપૂજકના પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતા પોતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન 20 ઓક્ટોબરના રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજુ જન્મેલું 7 દિવસનું બાળક માતાએ પોતાની પથારીમાં ન જોતાં હચમચી ઊઠ્યા હતા. સંગીતાબેનને અગાઉની ડિલીવરીમાં એક અઢી વર્ષની બાળકી છે.

તાજું જન્મેલું 7 દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતા, ડીવાયએસપી કલ્પેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કવોડ સહિત છ ટીમો દ્વારા બાળકને શોધવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. બાળકને શોધવા માટે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આસપાસના જંગલ વિસ્તારમાં મહિલાના પરિવારજનો સહિત વિવિધ ગામોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે આજરોજ આ બાળક મળી આવતા વડોદરા જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઇએ પત્રકાર પરિસદ યોજી માહિતી આપી હતી. જેમાં ઘણી ચોંકવનારી વિગતો સામે આવી હતી. પોલીસે 50 પોલીસ કર્મીની 8 ટિમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરી બાળકનો કબ્જો મેળવી પરિવારને સોંપ્યું હતું.

વડોદરા જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઇએ જણાવ્યું હતું કે,  પોલીસને હ્યુમન ઇન્ટેજિન્સની મદદથી માહિતી મળી હતી કે, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પણસી ગામના રહેવાસી કલ્પેશ રમણસિંહ રાઠોડની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગંભીર હકિકત પોલીસ સમક્ષ જણાવી હતી. કલ્પેશે જણાવ્યું હતું કે, દિલ્હી સ્થિત આર્મીમાં ફરજ બજાવતા નરેન્દ્રકુમાર રંજન અને તેના પત્નીને 13 વર્ષથી  સંતાન ન હોવાથી છેલ્લા 6 મહિનાથી કલ્પેશ રાઠોડના સંપર્કમાં હતા. આર્મી પરિવારના દંપતીએ બાળક લાવી આપવા સારા નાણાં આપવાની ઓફર કરી હતી. જેથી કલ્પેશ બાળકની શોધમાં હતો. જેથી તેને વડોદરામાં ફતેગંજમાં રહેતા પ્રવિણભાઇ ભીમાભાઇ ચુનારા અને દક્ષાબેન પ્રવીણભાઈ ચુનારાનો સંપર્ક કર્યો હતો અને બાળક લાવી આપવા માટે પૈસા આપવાની વાત કરી હતી.

પ્રવિણે બાળક મેળવવા માટે કોટંબીમાં રહેતા કાળીદાસ  ઉર્ફે કાળીયો પ્રભાતભાઈ દેવીપૂજકનો સંપર્ક કર્યો હતો. કાળીદાસ અગાઉ ચોરીઓના ગુનાઓમાં ઝડપાઇ ચૂક્યો છે અને તેની સામે ઘણા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે પૂર્વ યોજના ઘડી કાળીદાસ ઉર્ફે કાળીયો પ્રભાતભાઈ દેવીપૂજક અને રમણભાઇ રાઠોડિયાએ ભાવનગરપુરા ગામમાં રાત્રી દરમિયાન માતા સાથે સુતેઓએ બાળકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બાળકને પ્રવિણ અને કલ્પેશ મારફતે આર્મીના જવાન નરેન્દ્ર રંજનને આપ્યું હતું. જેને લઇને તેઓ બિહાર જતા રહ્યા હતા.  કલ્પેશની પૂછપરછમાં તેને બાળક બિહારમાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના થઇ ગઇ હતી. જ્યાં જઇને પોલીસે નરેન્દ્ર રંજનની અટકાયત કરીને બાળકનો કબ્જો લઇ લીધો હતો. હાલ બાળક સ્વસ્થ અને સુરક્ષિત છે.

પોલીસ બાળકને લઇ બિહારથી વડોદરા આવવા રવાના થઇ

પોલીસ બાળક અને દંપતીને લઇને બિહારથી વડોદરા આવવા રવાના થઇ ગઇ છે અને આજે સાંજે વાઘોડિયા ખાતે બાળકને તેના પરિવારને સોંપવામાં આવશે. બાળકનું અપહરણ કરનાર કાળીદાસ દેવીપૂજક અને રમણ રાઠોડિયાને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત પોલીસે પ્રવિણ ચુનારા, દક્ષાબેન ચુનારા, કલ્પેશ રાઠોડ અને નરેન્દ્ર રંજનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તમામ વિરુદ્ધ અપહરણ અને ચાઈલ્ડ એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

IVF પદ્ધતિથી બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હતો

આર્મીના દંપતીને 13 વર્ષનું લગ્ન જીવન દરમિયાન સંતાન સુખ ન મળતા બે વખત આઇવીએફ પદ્ધતિથી બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્યાંય સફળતા ન મળતા છેવટે બાળક મેળવવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. જેમાં પોતે પણ સહભાગી બનતા હવે આર્મી જવાનને આરોપી તરીકે પોલીસે ગણાવ્યો છે.

પિતા કાળુ અને પુત્રો મહેશ અને રમણે પ્લાન ઘડ્યો

કલ્પેશ રાઠોડે ફતેગંજ ખાતે રહેતા દંપતી પ્રવીણ અને દક્ષાને જણાવ્યું કે એક પરિવાર નિઃસંતાન છે તેને બાળક જોઈએ છે જે ધ્યાનમાં હોય તો જણાવે જેના રૂપિયા મળશે…ઘણા દિવસો છતાં કોઈ બાળક ધ્યાનમાં ન આવતા દેવીપૂજક દંપતીએ સમાજના લોકોમાં વાત ફેલાવી હતી. જેમાં લીલોરા ગામ ની નવીનગરી વસાહતમાં નવજાત બાળકનો જન્મ થયું હોવાનું કાળુ દેવીપૂજકે જણાવતા બાળક ને ચોરવાનો પ્લાન બન્યો હતો. જેથી તારીખ 20 ના રોજ કાળુ દેવીપૂજક પોતાના પુત્ર મહેશ ચુનારા અને રમણ રાઠોડિયા સાથે મળી બાળકનું અપહરણ કર્યું હતું.

4 લાખ પૈકી 1 લાખ રૂપિયા કલ્પેશ અને રમણને આપ્યા હતા

આર્મી જવાને બાળકને મેળવવા માટે રૂ. 4 લાખ રોકડ અને બેંક ટ્રાન્સેકશન મારફતે કલ્પેશ રાઠોડને આપ્યા હતા. જે પૈકી બાળકનું અપહરણ કરવા બદલ કલ્પેશે કાલિદાસ દેવીપૂજક અને રમણ રાઠોડીયાને 1 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના પૈસા પોતાની પાસે રાખ્યા હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top