મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ઝેરી કફ સિરપને કારણે છેલ્લા 20 દિવસમાં 7 નાના બાળકોના મોત થયા છે અને 5 બાળકોની હજુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસ અને બાયોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું કે આ કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ (DEG) નામનું ઝેરી કેમિકલ મળ્યું છે. જે સીધો કિડનીને અસર કરે છે. આ ઘટનાએ માત્ર છિંદવાડા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આરોગ્યતંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
20 દિવસમાં 7 બાળકોના મોત
છિંદવાડા સીએમએચઓ ડૉ. નરેશ ગુન્નાડેએ જણાવ્યું હતું કે તા. 24 ઑગસ્ટે પહેલો શંકાસ્પદ કેસ નોધાયો હતો. તા. 4 સપ્ટેમ્બરથી તા. 26 સપ્ટેમ્બર વચ્ચે પારસિયા વિસ્તારમાં 6 બાળકોના મોત થયા છે. જોકે હાલમાં જ વધુ એક બાળકનું મૃત્યુ નાગપુરમાં થયું. જેથી અત્યાર સુધી કુલ 7 બાળકોના મોત થયા છે.
મૃતક બાળકોમાં દિવ્યાંશ ચંદ્રવંશી (7), અદનાન ખાન (5), હેતાંશ સોની (5), યુસૈદ (4), શ્રેયા યાદવ (18 મહિના), વિકાસ યાદવવંશી (4) અને યોગિતા વિશ્વકર્મા (5) સામેલ છે. જોકે હાલમાં બીજા 5 બાળકો છિંદવાડા અને નાગપુરની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
બાયોપ્સી રિપોર્ટમાં ખુલાસો
છિંદવાડા મેડિકલ કોલેજના બાળરોગ નિષ્ણાત ડૉ. પવન નંદુલકરે જણાવ્યું કે બાળકોની કિડની બાયોપ્સીના રિપોર્ટમાં ઝેરી અસર જોવા મળી હતી. આ રિપોર્ટમાં સાબિત થયું કે તેમને આપવામાં આવેલા કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ હાજર હતું. આ એક ઝેરી કેમિકલ છે અને શરીરમાં ગયા બાદ કિડની ફેલ થવાનું મુખ્ય કારણ બને છે.
પ્રતિબંધ અને તપાસ
શહેર કલેક્ટર શીલેન્દ્ર સિંહે સ્પષ્ટ કર્યું કે જિલ્લામાં વેચાતા નેક્સ્ટ્રો-DS અને કોલ્ડ્રિફ કફ સિરપ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકાયો છે. આ બંને સિરપ તમિલનાડુની એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા. ભોપાલમાં પણ સાવચેતીના ભાગરૂપે આ દવાઓના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. મનીષ શર્માએ ડોકટરોને દર્દીઓને આ સિરપ ન લખવાની સલાહ આપી છે.
ધારાસભ્ય અને સ્થાનિકોમાં રોષ
પારસિયાના કોંગ્રેસ ધારાસભ્ય સોહન વાલ્મીકી સહિત સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે આરોગ્ય વિભાગે શરૂઆતમાં મામલાને ગંભીરતાથી લીધો નહોતો જેના કારણે સતત બાળકોના મોત થઈ રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે દૂષિત દવા બનાવનારા અને બજારમાં સપ્લાય કરનારા પર ક્યારે કડક કાર્યવાહી થશે? માત્ર પ્રતિબંધ પૂરતો નથી પરંતુ જવાબદાર કંપની અને અધિકારીઓ સામે કાનૂની પગલાં લેવા જરૂરી છે.
સવાલો યથાવત
આ કેસે ફરી એકવાર દવાઓની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે. જો સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આ 7 બાળકોના જીવ બચી શક્યા હોત. આ તમામ બાળકોના માતા- પિતા ન્યાયની માગ કરી રહ્યા છે.