ખેડા: માતર તાલુકાના માછીયેલ ગામમાં ભારે વરસાદને પગલે તબેલાની દિવાલ ધરાશયી થઈ હતી. આ દિવાલના કાટમાળ નીચે 7 પશુઓ દબાયાં હતાં. જોકે, આસપાસના રહીશોએ કાટમાળ હટાવી તમામ પશુઓને બહાર કાઢ્યાં હતાં. આ ઘટનામાં 6 પશુઓને કોઈ હાનિ પહોંચી ન હતી. પરંતુ, 1 પશુને અતિગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે.
ખેડા જિલ્લામાં મુશળધાર વરસાદ સાથે ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. રવિવારે વહેલી સવારે માતર પંથકમાં સાડા ત્રણ ઈંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ગયો હતો.
આ ભારે વરસાદને પગલે માતર તાલુકાના માછીયેલ ગામમાં રહેતાં રામસંગભાઈ ભીખાભાઈ સોઢાપરમારના તબેલાની દિવાલ એકાએક ધરાશયી થઈ હતી. ધસી પડેલી દિવાલનો કાટમાળ તબેલામાં રાખવામાં આવેલ 1 ગાય અને 6 ભેંસ ઉપર પડ્યો હતો. જેથી આ તમામ 7 પશુઓ કાટમાળ નીચે દબાઈ ગયાં હતાં. દિવાલ ધસી પડવાનો અવાજ આવતાં આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યાં હતાં અને યુધ્ધના ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી દીધી હતી. ગણતરીની મિનીટોમાં જ કાટમાળ નીચેથી તમામ પશુઓને બહાર કાઢી લેવાયાં હતા. આ ઘટનામાં 6 પશુઓને કોઈ હાનિ પહોંચી ન હતી. પરંતુ, 1 પશુને અતિગંભીર ઈજા પહોંચી હતી. હાલ, આ પશુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.