Dakshin Gujarat

વલસાડના 7 સાહસિક યુવાનોએ 14,100 ફૂટ ઊંચાઈ પર આવેલું ભ્રિગુ લેક સર કર્યું

વલસાડઃ વલસાના નેચર ક્લબ દ્વારા છેલ્લાં 18 વર્ષથી પ્રકૃતિ શિક્ષણ અને સાહસિક પ્રવૃતિઓના ભાગરૂપે નેચર કલબના પ્રમુખ પ્રિતેશ બી. પટેલની આગેવાનીમાં કુલ 7 સભ્યોની ટીમ દ્વારા હિમાચલ પ્રદેશમાં 14100 ફૂટ ઉંચાઈ પર આવેલા ભ્રિગુ લેક પર પહોંચી પોતાની અદમ્ય સાહસવૃતિના દર્શન કરાવ્યા હતા.

  • છ વર્ષના બાળકે હિમાલયની ધૌલાધાર શ્રુંખલાની બકરતાછમાં 11000 ફુટ સુધી પગપાળા ટ્રેકિંગ કર્યું

કુલ 17 વ્યક્તિઓએ આ પર્વતારોહણ અભિયાનમાં ભાગ લીધો હતો. વલસાડથી અ‍નુક્રમે પ્રિતેશ પટેલ (ઉ.વ.42), વંશ પટેલ (ઉ.વ.15), સમર્થ ભટ્ટ (ઉ.વ.15), સુરતથી જૈવલ પટેલ (ઉ.વ.13), વીર ભાટિયા (ઉ.વ.13), તેમજ રાજસ્થાનથી અ‍વનિશ તિવારી (ઉ.વ.39) મળી કુલ 7 વ્યક્તિ આ અભિયાનમાં સફળ થયા હતા.

વિષમ પરિસ્થિતિ અને ખુબ જ ઓછા પ્રાણવાયુના પ્રમાણના કારણે આ તળાવ સર કરવું કઠિન હતું. પાંચ ક્લાક બરફ પર ચાલવું પડ્યું હતું. બધી તકલીફોના અંતે તા. 14 મે ના રોજ તિરંગા સાથે વલસાડ નેચર ક્લબનો ઝંડો પણ ત્યાં લહેરાવ્યો હતો.

આ ટ્રેકિંગનું આયોજન ટ્રેક એન્ડ રાઇડ ઇન્ડીયા તેમજ નેચર ક્લબ વલસાડના સંયુક્તપણે કરવામાં આવ્યું હતું. જેમાં 6 વર્ષથી લઈને 47 વર્ષ સુધીના યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી સૌથી નાની વયના બાળક માધવ પટેલ (ઉ.વ.6) વર્ષ દ્વારા હિમાલયની ધૌલાધાર શ્રુંખલામાં બકરતાછ 11000 ફુટ સુધી જાતે પગપાળા ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું.

જેનાથી બાકીના સભ્યોને પ્રેરણા મળી હતી. 17 માંથી કુલ 11 સભ્યો દ્વારા પીર પંજાલ શ્રુંખલામાં ભ્રિગુ લેક માટે આરોહણ શરુ કરવામાં આવ્યુ હતું જેમાંથી 7 સભ્યો જ 14100 ફુટની ઉચાઇ પર સ્થિત ભ્રિગુ લેક સુધી પહોંચી શક્યા હતા.

બાકીના સભ્યો 10000 ફુટ પરથી પરત ફર્યા હતાં. જેમાં જૈવલ અને વીર 13 વર્ષના હોવાની સાથે સમગ્ર ભારતમાંથી 2025 ના વર્ષમાં સૌથી નાની વયે ભ્રિગુ લેક સર કર્યુ એ પ્રશંસાને પાત્ર છે.

આગામી તા. 18 જુન થી 27 જુન દરમ્યાન આવા જ એક રોમાંચક હમ્તા પાસ અને ચંદ્રતાલ તળાવ ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાહસિકવૃત્તિ ધરાવતા લોકો ભાગ લઇ શકે છે. પર્યાવરણ જાગૃતિ અને ગ્લોબલ વોર્મિંગ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે નેચર કલબ દ્વારા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Most Popular

To Top