World

ફિલિપાઇન્સમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

દક્ષિણ ફિલિપાઇન્સમાં આજે વહેલી સવારે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.6 નોંધાઈ છે. આ આંચકા બાદ તંત્ર દ્વારા સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના અપાઈ છે. ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર સુધીના વિસ્તારને સુનામીના ખતરા હેઠળ ગણાવવામાં આવ્યો છે.

ફિલિપાઇન્સની ભૂકંપશાસ્ત્રીય એજન્સી ફિવોલ્ક્સ (Phivolcs) મુજબ આ ભૂકંપ દક્ષિણ મિંડાનાઓના દાવાઓ ઓરિએન્ટલ પ્રાંતની નજીક દરિયાઈ વિસ્તારમાં આવ્યો હતો. પ્રાથમિક માપણ પ્રમાણે ભૂકંપની ઊંડાઈ આશરે 58 કિલોમીટર હતી. ભૂકંપ બાદ અનેક સ્થળોએ આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા.

ફિવોલ્ક્સે જણાવ્યું કે આગામી બે કલાકમાં દરિયામાં એક મીટરથી વધુ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનાર લોકોને ઉચ્ચ જમીન પર જવાની તાકીદ કરવામાં આવી છે. આ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ સુનામી ચેતવણી પ્રણાલીએ પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે.

સત્તાવાર અહેવાલો મુજબ અત્યાર સુધી કોઈ મોટા નુકસાન અથવા જાનહાનિના અહેવાલો નથી મળ્યા. પરંતુ ભૂકંપ એટલો જોરદાર હતો કે દક્ષિણ ફિલિપાઇન્સના અનેક શહેરોમાં લોકો ગભરાટમાં ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. મિંડાનાઓના માનય સિટી અને આસપાસના વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાની માહિતી મળી રહી છે.

યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC)એ ભૂકંપની તીવ્રતા 7.4 ગણાવી છે. જ્યારે ફિલિપાઇન્સની એજન્સી દ્વારા તે 7.6 તરીકે નોંધાઈ છે. તંત્રએ નાગરિકોને શાંતિ જાળવવાની અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

ફિલિપાઇન્સ પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલું હોવાથી અહીં વારંવાર ભૂકંપ આવતા રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તાર અનેક વખત ભારે ભૂકંપોથી ધ્રુજ્યો છે. તાજેતરના આ આંચકાઓએ ફરી એક વાર કુદરતી આપત્તિ સામેની સજ્જતા અને તકેદારીની જરૂરિયાત ઉજાગર કરી છે.

આ ભૂકંપથી તાત્કાલિક મોટું નુકસાન નથી પરંતુ સુનામીની શક્યતા હજી યથાવત છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચિંતા અને સતર્કતા વધેલી છે.

Most Popular

To Top