SURAT

રત્નકલાકારો બાળકોની સ્કૂલની ફી ભરી શકે તે માટે હીરા ઉદ્યોગકારોએ 7.50 લાખની મદદ કરી

સુરત: છેલ્લાં ઘણા સમયથી હીરાઉદ્યોગના રત્નકલાકારો મંદીમાં ફસાયા છે જેના કારણે ઘણા રત્નકલાકારોને પોતાના બાળકોની શિક્ષણ ફી ભરવામાં તકલીફ પડી રહી છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને સરવે કરી આવા જરૂરિયાતમંદ રત્નકલાકારોનો ડેટા ભેગા કર્યો હતો અને તેના આધારે અગ્રણી હીરા ઉદ્યોગકારોની મદદથી જરૂરિયાતમંદ રત્નકલાકારોને આર્થક મદદ પુરી પાડવામાં આવી હતી.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંકે જણાવ્યું કે, મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. આ રત્નકલાકારો પ્રાથમિક જરૂરિયાતો માટે પણ ખર્ચ કરી શકતા નથી. બાળકોના સ્કૂલની ફી પણ ભરી શકતા નથી. યુનિયને ડાયમંડ ઇન્સ્ટિટયૂટના ચેરમેન દિનેશ નાવડીયા અને જીજેઈપીસીના રિજયોનલ ચેરમન વિજય માંગુકીયાને આ મામલે જાણ કરી હતી તેમની તેમના સાથ અને સહકારથી જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન-મુંબઈને જાણ કરી હતી.

જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈએ 150 કારીગરોને પાંચ-પાંચ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવાની બાંહેધરી આપી હતી, જેથી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના રમેશ જીલરીયા અને ભાવેશ ટાંક તથા ટીમ દ્વારા અતિ જરૂરિયાતમંદ રત્નકલાકારોનો સર્વે હાથ ધર્યો હતો અને 150 રત્નકલાકારોનો ડેટા ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો હતો.

દિનેશ નાવડીયા અને વિજય માંગુકીયાના સાથ સહકારથી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની મહેનતથી નાત-જાતના ભેદભાવ વગર પારદર્શક સર્વે કરવામાં આવ્યો હતો જેથી જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી 150 રત્નકલાકારોને બાળકોની શિક્ષણ ફી માં રાહત રહે એવા હેતુથી પાંચ-પાંચ હજાર રૂપિયાનો આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે અને 150 રત્નકલાકારોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.

હીરાઉદ્યોગના અતિ જરૂરીયાતમંદ રત્નકલાકારોને 7.50 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવા બદલ જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન-મુંબઇ તથા પૂર્વ ચેરમેન સંજય કોઠારી, વર્તમાન ચેરમેન પ્રવિણશંકર પંડ્યા, ટ્રસ્ટી ભરત કાકડીયા, અશોક ગજેરા, રાજુ માલદાર તથા તમામ ટ્રસ્ટીઓનો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને આભાર માન્યો છે.

Most Popular

To Top