જૂન મહિનો પૂરો થયો હોવા છતાં ભરૂચ જિલ્લામાં ગયા વર્ષ કરતા આ વખતે પંદર દિવસમાં 7.39 ટકા વરસાદ વધારે પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં માંડ જંબુસર તાલુકાને બાદ કરી તમામ આઠ તાલુકામાં ગયા 2020ની સાલ કરતા વધારે વર્ષાનાં વધામણાં થયાં છે. જો કે, ધરતીપુત્રોને ભલે વરસાદ પડ્યો હોવા છતાં મન મૂકીને મેઘરાજા પડે તેની રાહ જોઇને બેઠા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધારે સાતપુડાની તળેટી એવા નેત્રંગ તાલુકામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે.
તેમ છતાં આ વખતે ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વાગરા તાલુકામાં પડ્યો છે. નેત્રંગ તાલુકામાં વરસાદ ઓછો પડતા ત્રણેય ડેમોની સપાટી સાવ સામાન્ય વધી છે. આ વખતે જૂન મહિનાના પંદર દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ બીજા ક્રમે ભરૂચ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં 2020ની ગયા વર્ષ કરતાં આ વખતે 7.39 ટકા વધારે વરસાદ પડ્યો હતો. ગયા વર્ષે 2020ની સાલમાં ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પંદર દિવસમાં 12.61 ટકા મેઘો પડ્યો હતો.
જ્યારે આ વર્ષે પંદર દિવસમાં 20 ટકા વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાને બાદ કરતાં તમામ આઠ તાલુકામાં ગયા વર્ષની સરખામણીમાં વધારે વરસાદ પડ્યો હતો. વાગરા તાલુકામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 15.63 ટકા વધારે વરસાદ પડ્યો હતો. જો કે કોટન બેલ્ટ ભરૂચ જિલ્લાના ધરતીપુત્રો વરસાદ પડ્યા બાદ હજુ પણ મન મૂકીને વધારે પડે એવી રાહ જોઇને બેઠા છે.
પંદર દિવસમાં ઇકો પોઈન્ટ ભરૂચ જિલ્લામાં પીંગોટ ડેમમાં 132 મીટર, બલદેવા ડેમમાં 131.50 મીટર તેમજ ધોલી ડેમમાં 131.95 મીટર પાણીની સપાટી છે. આ વખતે સાવ સામાન્ય વરસાદ નેત્રંગ પંથકમાં પડતાં ત્રણેય ડેમોની પાણીની સપાટીમાં સામાન્ય વધારો થયો છે. ત્રણેય ડેમોના ઉપરવાસમાં પંદર દિવસમાં પડેલો વરસાદમાં પીંગોટ વિસ્તારમાં આ વખતે 73 મીલીમીટર, બલદેવામાં ૧૩૯ મીલીમીટર તેમજ ધોલી ડેમમાં 131.95 મીલીમીટર પડ્યો છે.