વડોદરા: વડોદરાની ગેસ કંપની દ્વારા ગેસ બીલ ના બાકી નીકળતા નાણાં વસૂલાત માટે કાર્યવાહી હાથધરી છે.નવાપુરા વિસ્તારમાં વહેલી સવારે પોલીસને સાથે રાખી ગેસ વિભાગના અધિકારીઓએ કહાર મહોલ્લો, પરદેશી ફળિયા,કોઠી પોળ ફળિયા, કાછિયા પોળ,કબીર મંદિર ફળિયા તેમજ જૂની કાઠીયાવાડ સહિતના વિસ્તારોમાં 31 ગેસ કનેક્શન બંધ કરવા સાથે બાકી ગેસ બિલોની કુલ રૂપિયા 7.29 લાખની રકમની વસુલાત કરી હતી.
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસ બીલ ના બાકી નીકળતા નાણાની વસુલાત માટે સમયસર ગેસ બિલ નહીં ભરતા ગ્રાહકો સામે લાલ આંખ કરી છે. ગેસ કંપનીના અધિકારીઓની જુદી-જુદી ચાર જેટલી ટીમોએ સોમવારે શહેરના મદનઝાંપા વિસ્તારમાં વહેલી સવારથી જ ધામા નાખ્યા હતા.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.ગેસ વિભાગના અધિકારીઓ અને પોલીસની ટીમે નવાપુરા વિસ્તારમાં કાર્યવાહી કરતા ગેસનો વપરાશ કર્યા બાદ બિલ નહીં ભરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.ગેસ કંપનીની જુદી જુદી ટિમો દ્વારા કહાર મહોલ્લો,પરદેશી ફળિયા,કોઠી પોળ ફળિયા,કાછિયા પોળ,કબીર મંદિર ફળિયા તેમજ જૂની કાઠીયાવાડ સહિતના વિસ્તારોમાં ગ્રાહકો પાસેથી બાકી નીકળતા કુલ રૂ.7,29,064ની વસુલાત કરી હતી.
જ્યારે 31 જેટલા મકાનોમાં ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકી પડતી રકમના વસૂલાત માટે તારીખ 6 થી 10 જૂન સુધી એમ પાંચ દિવસ દરમિયાન બાકી નીકળતા વીજ બિલના નાણાંની વસૂલાત કરવા માટે અભિયાન શરૂ કર્યું છે.જેમાં માત્ર નવાપુરા વિસ્તારમાં જ 1121 કનેક્શન આવેલા છે.જેની 3.94 કરોડ વસુલાત બાકી છે.ઉલ્લેખનીય છે કે ગેસ કંપની દ્વારા પાઇપલાઇન મારફતે ગેસનો પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. જેનો ઉપયોગ કર્યા બાદ જે ગેસ બિલો આપવામાં આવતા હોય છે.તેની રકમ કેટલાક ગ્રાહકો સમયસર ભરપાઈ કરતા ન હોવાથી સરકારને નુકસાન થતાં ગેસ વિભાગ દ્વારા બાકી નીકળતા નાણાંની વસૂલાત કરવા માટે ઘણી વખત આ પ્રકારે અભિયાન શરૂ કરી અને કડક કાર્યવાહી કરવાની ફરજ પડતી હોય છે.