‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા હવે કોરોનાની સંભવિત ૩જી લહેરની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના પગલે ૧૪૨૪૬ ગ્રામ પંચાયતોમાં ૫ બેડથી લઇ ૫૦ બેડ સુધીની વ્યવસ્થાવાળા ૧૫૦૦૦થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) શરૂ કરવામાં આવ્યા છે.
ગામમાં કોઇ સંક્રમિત વ્યક્તિને રહેઠાણમાં અલાયદા રૂમની વ્યવસ્થા ન હોય અને તે આજુબાજુના અન્ય લોકોને સંક્રમિત ન કરે તેમજ અલગ રૂમમાં એકલા રહેવાથી દર્દી ડીપ્રેશનમાં ન આવી જાય તેવા હેતુથી આવા દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) ખાતે આઇસોલેટ કરવામાં આવે છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના સ્વાસ્થ્ય કર્મીઓ દાખલ થયેલા દર્દીઓને કોરોના બાબતે બિનજરૂરી ચિંતા ટાળવામાં અને ઝડપથી કોરોના મુક્ત થવા પ્રોત્સાહિત કરે છે.
“મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછું એક અને વસ્તી અને કેસોની સંખ્યા વધુ હોય તો જરૂરિયાત પ્રમાણે એકથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) તૈયાર કરાયા છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર સરકારી શાળા, સમાજવાડી, કોમ્યુનિટી હોલ, રાજીવ ગાંધી ભવન, અન્ય સરકારી મકાનની બિલ્ડીંગોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. .
કોવિડ-૧૯ ના ૮૦ ટકા દર્દીઓમાં રોગના લક્ષણો જોવા મળતા નથી કે સામાન્ય પ્રકારના લક્ષણો હોય છે આવા દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવે છે. વધુમાં, જો આવા દર્દીઓને કોઇ અન્ય બીમારી જેમાં ડાયાબીટીસ, બી.પી., હદયની બીમારી ન હોય તો આવા પોઝિટિવ દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) માં આઇસોલેટ કરવાથી ઘરના અન્ય સભ્યોને પાડોશીઓ અને ગામલોકોમાં આ રોગના ચેપનો પોતાના દ્વારા ફેલાવો થતાં રોકી શકાય છે.
દર્દીના શરીરમાં ઓક્સિજનનું સ્તર, તેના શરીરનું તાપમાન વગેરે સ્વાસ્થ કર્મીઓ દ્વારા ચોકસાઈપૂર્વક માપવામાં આવે છે. દર્દીને જરૂરી દવાઓ આપવામાં આવે છે જેથી કોરોનાનો ચેપ શરીરમાં વધુ પ્રસરતો અટકાવી શકાય. દર્દીને શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારતી પ્રોન થેરાપીની તાલીમ સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા આપવામાં આવે છે. જ્યાં પી.એચ.સી. અને સી.એચ.સી. છે ત્યાં પણ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC)ની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોમાં મોટાભાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે દવાઓ તેમજ જરૂરી આનુષાંગિક સુવિધા હોય છે.