જેઓ 60 કે 65 વર્ષથી ઉપરની ઉંમરના છે, એમાંથી ઘણાને એવું કહેતા સાંભળ્યા છે કે 65 (કે જે તે ઉંમર) તો થયા બાકીનું જેટલું જીવાય એટલું ખરું.. વેલ, રોજિંદા જીવનમાં હું 10માંથી લગભગ ફક્ત 3 જ વ્યક્તિઓને એવી જોઉં છું જેવો જીવન માટે ખૂબ જ હકારાત્મક હોય છે જેઓ એવું વિચારતા હોય છે કે, ‘ઓછું જીવાય તો વાંધો નહીં પરંતુ ગુણવત્તા ભર્યું સારું જીવવું છે. જીવનમાં રોજીંદી શૈલી એટલે કે લાઈફસ્ટાઇલને બદલવી છે, બને એટલું ખાવામાં ધ્યાન રાખવું છે, વ્યાયામ કરવામાં તથા સામાજિક દ્રષ્ટિએ માનસિકતાને સ્વસ્થ રાખવા માટે જેટલા પ્રયત્નો થાય એટલા પ્રયત્નો કરીએ, એનામાં થોડો બદલાવ લાવીએ અને બાકીનું જીવન પોતાની મરજી મુજબ ખૂબ સારી રીતે હું જીવી જાવ!’
પરંતુ, બાકીના 10માંથી 7 વ્યક્તિઓ લગભગ જીવન જીવવા માટેની આશા છોડીને જીવતા હોય છે. તેઓને જોતા એવું નથી લાગતું કે તેઓ જીવવાની આશા છોડીને જીવે છે પરંતુ ક્યારેક તેઓની વાત પરથી, તેઓના અનુકરણ પરથી કે તેઓ જે પ્રકારે જીવન જીવે છે, રોજિંદી ક્રિયાઓમાં જે પ્રમાણે તેઓ નિષ્ક્રિય રહે છે કે પછી બિલકુલ રસ નથી ધરાવતા કોઈ પ્રવૃત્તિમાં, તેઓ એમ જ વિચારતા હોય છે કે 60 વર્ષ કે 65 વર્ષ કે 70 વર્ષની ઉંમર થઈ; હવે જેટલું જીવાય એટલું જીવીશું. આવા ઘણા બધા લોકો છે આ વિશ્વમાં અને 60 વર્ષની ઉંમર પછી આવું બધું થવું એ કંઈ અસામાન્ય નથી. જીવનનો એક ભાગ છે.
આજે ત્રણથી ચાર પાસા ઉપર આપણે વાત કરવાના છીએ અને આવી વાત કરવાનું સૌથી મહત્વનું કારણ એ કે જાણીતા એક સાહિત્યકારના પુત્ર મને મળે છે અને કહે છે કે પપ્પા પોતે આટલા બધા પુસ્તકો લખી ચૂક્યા છે પણ આવું વિચારે છે. તેઓ એક વિચારક છે છતાં તે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર છે. તો વળી એક સફળ બિઝનેસમેનના સુપુત્ર મને મળે છે અને કહે છે કે, ‘પપ્પાને કોઈપણ વાત કહું તો એમને ખોટું લાગી જાય છે, એમને કોઈ પણ વસ્તુ નવી શીખવા માટે કહું કે કોઈ વસ્તુમાં બદલાવ લાવવા માટે કહું તો તેઓ લઘુતાગ્રંથી અનુભવવા લાગે છે કે હવે હું એમને સમજાવવા લાગ્યો. બિઝનેસમાં ઘણીવાર તકલીફ પડે છે, બાકી આમ બધું સારું છે.
સાથે રહીએ છીએ સાથે જીવીએ છીએ, સાથે મોજ કરીએ છીએ પરંતુ આવું કેમ થતું હશે કે જે વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે અને પ્રતિભાશાળી એમનુ જીવન રહ્યું છે છતાં આવી રીતે એમનામાં આવા બદલાવ આવવા એ સ્વીકાર્ય છે? અને શું ખરેખર તેઓ સાચા છે કે હું સાચો છું, એના પર મને ઘણીવાર પ્રશ્ન થતા હોય છે તો આના ઉપર ફિલોસોફીથી પરે, મેડિકલી કંઈક જોડાયેલું છે?’ બસ, આવા બે કિસ્સાઓ સાંભળ્યા અને ત્યારબાદ થયું કે ઘણી બધી વાત સહેજે ઘણી સામાન્ય લાગે પરંતુ આપણે એ વિશે ઉજાગર બિલકુલ નથી. આજે જે પાસા ઉપર વાત કરવી છે તેમાંનું એક કે શા માટે તમારું મગજ 60 કે 65 વર્ષ બાદ બદલાવ શરૂ કરે છે, તો વળી એ પણ સમજીશું કે શું વૈજ્ઞાનિક રીતે 60 કે 65 વર્ષ બાદ નકારાત્મક જ બધું હોય કે કઈ હકારાત્મક પણ હોય શકે, ત્રીજું કે જીવવા માટેનો રસ જે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ શા માટે ખૂબ મહત્વનો છે?
ઉંમર વધવાની સાથે શરીરમાં શું ફેરફાર આવે છે?
આમ તો ઉંમર વધવાની સાથે શરીરમાં મગજથી લઈ, હાડકાં, સાંધા, સ્નાયુઓ અને વિવિધ અગત્યના અંગો, સૌ પર અસર વર્તાય છે. જે છે મગજ.. આ મગજ જ છે જે વિચારના ઘણા પાસાઓને નિયંત્રિત કરે છે. યાદ રાખવું, આયોજન કરવું અને ગોઠવવું, નિર્ણયો લેવા અને ઘણું બધું. આ જ્ઞાનાત્મક ક્ષમતાઓની સ્વસ્થતા નક્કી કરશે કે આપણે રોજિંદા કાર્યો કેટલી સારી રીતે કરી શકીએ અને શું આપણે સ્વતંત્ર રીતે જીવી શકીએ છીએ. ઉંમર વધવાની સાથે વિચારસરણીમાં કેટલાક ફેરફારો સામાન્ય છે. ઉદાહરણ તરીકે, વૃદ્ધ વયસ્કો શબ્દો શોધવા અને નામો યાદ કરવામાં ધીમા પડી શકે છે, તેમને મલ્ટીટાસ્કીંગ કામ સાથે વધુ સમસ્યાઓ રહી શકે છે. ધ્યાન આપવાની ક્ષમતામાં હળવો ઘટાડો અનુભવી શકે છે. જેમ જેમ વ્યક્તિ મોટી થતી જાય છે તેમ તેમ મગજ સહિત શરીરના તમામ ભાગોમાં ફેરફારો થાય છે.
મગજના અમુક ભાગો સંકોચાય છે, ખાસ કરીને જે શીખવા અને અન્ય જટિલ માનસિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ છે. મગજના અમુક વિસ્તારોમાં, ચેતાકોષો વચ્ચેનો સંચાર એટલો અસરકારક ન હોઈ શકે, મગજમાં લોહીનો પ્રવાહ ઘટી શકે છે. તંદુરસ્ત વૃદ્ધ લોકોમાં પણ મગજમાં થતાં આ ફેરફારો માનસિક કાર્યને અસર કરી શકે છે. જેમ કે, કેટલાક વૃદ્ધ વયના લોકો જાતે જ એ સમસ્યા શોધી લે છે કે હવે તેઓ જટિલ યાદશક્તિ કે શીખવાની કુશળતા યુવાન વ્યક્તિઓની જેમ નથી કરી શકતા. જો કે, જો નવું કાર્ય શીખવા માટે પૂરતો સમય આપવામાં આવે, તો તેઓ સામાન્યતઃ તે જ રીતે એ કાર્ય કરી શકવા સક્ષમ હોય છે. આપણે એ સ્વીકારવું કે આપણી ઉંમર પ્રમાણે વધારાના સમયની જરૂર સામાન્ય છે. હાલ પૂરતા પુરાવા છે કે મગજ આ બદલાવ અને અનુકૂલન કરવાની ક્ષમતા જાળવી રાખવા સક્ષમ છે કે જેથી વય સાથે નવા પડકારો અને કાર્યોનું સંચાલન કરી શકે.
શું ઉમર વધતા કંઈક નવું પણ શીખી શકાય કે ફક્ત નકારાત્મક પરિબળો જ હાવી થતાં રહે છે?
કેમ નહીં.. બિલકુલ, સો ટકા નવું શીખી શકો અને વધુ સફળતા આંબી શકો. વય સાથે સમજશક્તિમાં પરિવર્તનો આવી શકે છે, પરંતુ તેમ છતાં જે વૃદ્ધ વયના લોકોએ તેમના સમગ્ર જીવનમાં જે કોઈ પણ કળા કે કુશળતાનો આનંદ માણ્યો છે, એમાંનું ઘણું બધું હજુ પણ કરી શકે છે. સંશોધન દર્શાવે છે કે વૃદ્ધ વયસ્કો નવી કુશળતા કેળવી શકે છે, નવી યાદો રચી શકે છે, શબ્દભંડોળ અને ભાષા કૌશલ્યમાં સુધારો લાવી શકે છે. હાર્વર્ડ તો ત્યાં સુધી જણાવે છે કે વૈજ્ઞાનિકો હવે મગજને સમગ્ર જીવનકાળ દરમિયાન સતત બદલાતા અને વિકાસશીલ અંગ તરીકે જુએ છે. જીવનમાં એવો કોઈ સમય નથી કે જ્યારે મગજ અને તેના કાર્યો સ્થિર રહે. કેટલાક જ્ઞાનાત્મક કાર્યો વય સાથે નબળા બને છે, જ્યારે અન્ય ખરેખર સુધરે પણ છે. ઉદાહરણ તરીકે, ઘણા સંશોધન અને અભ્યાસોએ દર્શાવ્યું છે કે મોટી ઉંમરના પુખ્ત વયના લોકો પાસે વધુ વ્યાપક શબ્દભંડોળ હોય છે અને નાના પુખ્ત વયના લોકો કરતાં શબ્દોના અર્થના ઊંડાણનું વધારે જ્ઞાન હોય છે. તેઓ પણ તો જીવનભરના સંચિત જ્ઞાન અને અનુભવોમાંથી શીખ્યા હશે. આ લોકો આ સંચિત જ્ઞાનને કેવી રીતે લાગુ કરે છે અને તેના પરિણામે મગજ કેવી રીતે બદલાય છે તે સંશોધકો દ્વારા હાલ સક્રિય સંશોધનનો વિષય છે.
શા માટે મોટી ઉંમરે પણ આરોગ્ય મહત્ત્વનું છે?
જે કોઈપણ વ્યકિત ઉંમરના કોઈપણ તબક્કે કે પછી ખાસ કરીને ઉંમર વધવાની સાથે, જેમ કે 60 વર્ષની ઉંમર બાદ નકારાત્મક બનતા હોય છે પોતાના આરોગ્ય માટે, તો તેઓ માટે વિચારવાલાયક એક જ પ્રશ્ન છે. કોઈપણ પ્રકારની આપણી પાસે એવી નિશ્ચિતતા છે કે મારું મૃત્યુ સારી રીતે જ આવશે કે બાકીનું જીવન સારી રીતે જીવી લઈશ. એ ખૂબ જ મહત્વનું છે કે જો આરોગ્ય સારું હશે તો આપણે ઘણી બધી બીમારીઓથી દૂર રહીશું અને કોઈ બીમારી આવશે તો કદાચ એ ઓછા દિવસોમાં કે ઓછી સારવારથી સારી થઈ શકશે કે પછી એવું બની શકે કે આપણે દુઃખ ઓછું ભોગવવું પડે જો આપણું શરીર સાથ આપતું હોય તો! જો શરીરમાં આરોગ્યના દ્રષ્ટિકોણથી બધું જ નબળું પડી ગયું હોય અને આપણે સંપૂર્ણપણે બેદરકાર હોઈએ વર્ષોથી, તો બની શકે કે આપણે રીબાઈ રીબાઈને મરવું પડે.. એટલે આરોગ્યનું ધ્યાન એટલા માટે રાખવું કે આપણે સ્વસ્થ રહીશું તો આ જીવન તો સારી રીતે જીવી જઈશું પણ બેશક મૃત્યુ પણ સારી રીતે માણી શકીશું. સમજવાનું છેલ્લે વ્યક્તિગત રીતે છે, આપણાં પોતાના સ્તર પર તથા આપણા મિત્ર વર્તુળમાં આપણે એ હકારાત્મક વિચારોથી જીવવાનું છે અને એ બધું જ આપણા પોતાના અનુસરણ, શિસ્ત અને મનના નિયંત્રણ પર આધાર રાખે છે.