સુરત: પુણામાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારની વહુ દ્વારા 80 વર્ષીય સાસુને ઢસડી ઢસડીને માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. જાગ્રત નાગરિક દ્વારા આ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ વિડીયો સામાજિક સંસ્થા પાસે પહોચતા વિડીયો ખાતરી કરી સામાજિક સંસ્થા પોલીસને સાથે રાખી માતૃશક્તિ સોસાયટીમાં વૃદ્ધાની મદદે પહોંચી હતી.
- સામાજિક સંસ્થાએ વીડિયો પોલીસ સુધી પહોંચાડ્યો
- પહેલા થપ્પડો પછી લાતો મારી અંતે બે હાથ જોડી માફી માંગી
- અંતે સાસુને વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવ્યા
જોકે પરિવારજનોએ વૃદ્ધાનો કબજો સોંપવાનો ઈનકાર કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.પોલીસ સ્ટેશન નિવેદન માટે પહોંચેલા વહુએ સાસુને માર મારવા બદલ બે હાથ જોડી માફી માગી હતી. પોલીસે અને સામાજિક સંસ્થાએ હાલ વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. પરિવારજનોની લેખિત બાંહેધરી બાદ તેઓને કબજો સોંપવા અંગે નિર્ણય કરાશે.
મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. એમાં એક ઘરના પેસેજમાં બેસી ભોજન કરવાનો પ્રયાસ કરી રહેલાં વૃદ્ધાને તેની વહુ દ્વારા થપ્પડો અને ઢસડીને લાતો મારવામાં આવી રહી હતી. વૃદ્ધાની સ્થિતિ જોઈ ગમે તેને દયાભાવ જાગે પણ વહુને જાણે દયા જેવું કંઈ હોય જ નહીં એ રીતે માર મારતા જોવા મળી રહી હતી. જેનો જાગ્રત નાગરિકે વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. આ વિડીયો સામાજિક સંસ્થા પાસે પહોંચતા તેમણે વધુ તપાસ કરતાં આ વિડીયો સુરતના પૂણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીનો હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રૂવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદાર ચેતનાબેન સાવલિયાએ પુણા પોલીસને જાણ કરી હતી. જ્યારે સંસ્થાના હોદ્દેદારો અને પુણા પોલીસની ટીમ વૃદ્ધાનો કબજો લેવા માટે તેના ઘર પર પહોંચી ત્યારે તેમનાં પરિવારજનો દ્વારા કબજો સોંપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર મામલો પુણા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
ટ્રસ્ટ દ્વારા હાલ પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસની મધ્યસ્થી બાદ વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં સંસ્થા દ્વારા ભોજન કરાવવામાં આવ્યું હતું. સાસુને માર મારનાર વહુને પસ્તાવો થતા તે પણ વૃદ્ધાશ્રમ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ક્રૂરતા ભર્યું વર્તન બાદ વહુ પોલીસ સામે સાસુની માફી માંગવા લાગી
પોતાની સાસુને ક્રૂરતાપૂર્વક માર મારનારી 64 વર્ષીય વહુ પોલીસ સ્ટેશન પહોંચતા સાસુના શરણે થઈ ગઈ હતી.નફટ વહુએ સાસુની પોલીસ અનેસામાજિક સંસ્થાની હાજરીમાં હાથ જોડીને માફી માગી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને શા માટે કર્યું છે, ત્યારે તે હાથ જોડીને કહે છે કે મારી એક ભૂલ થઈ ગઈ છે અને હું હવે માફી માગું છું. પુણા પોલીસ વહુ અને તેના પુત્ર બંનેનાં નિવેદન લીધા હતા.
સામાજિક સંસ્થા પોલીસ ફરિયાદ કરશે
આ વચ્ચે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રૂવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટનાં ચેતનાબેન સાવલિયાએ જણાવ્યું હતું કે અમને આ વીડિયો મળ્યો હતો. એ અંગે અમે પોલીસને જાણ કરી છે. મારને કારણે વૃદ્ધાનું શરીર એકદમ કમજોર થઈ ગયું છે, આ માટે અમે મેડિકલ ચેકઅપ કરાવવા માગીએ છીએ. નામમાત્ર બાબતે માર મારવામાં આવ્યો છે. હાલ આ ઉંમરે લોકો બાળકની જેમ વ્યવહાર કરે છે, તેમ છતાં તેમની વહુએ તેમને માર માર્યો હતો. આ માટે અમે વૃદ્ધાશ્રમ સાથે સંપર્કમાં છીએ અને બાને અમે વૃદ્ધાશ્રમમાં મોકલીશું. જો તેમની કસ્ટડી આ લોકો નહીં આપે તો અમે પોલીસ ફરિયાદ પણ કરીશું.