Editorial

63 બ્રિજને મરામતની જરૂર, 29 અતિ ખરાબ હાલતમાં, ખુદ સરકારે જ હાઈકોર્ટમાં પોતાની પોલ ખોલી

પૂલ તૂટી પડે અને સેંકડો માણસોના મોત થાય તેવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. પૂલ બનતો હોય અને દુર્ઘટના બને, હયાત પૂલ તૂટી પડે અને દુર્ઘટના બને અને દાયકાઓ બાદ જર્જરીત થઈ ચૂકેલો પૂલ તૂટી પડે તેવી ઘટનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂકી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી. પૂલને રિપેર કરવાની તસ્દીઓ પણ લેવામાં આવતી નથી અને જ્યારે મોટી હોનારત બની જાય ત્યારે તેની પર ઢાંક પિછોડો કરવામાં આવે છે. અગાઉ સુરતમાં નિર્માણાધિન પૂલ તૂટી પડ્યો ત્યારે 10 મજૂરના મોત થયા હતા.

આજ રીતે સુરતમાં 2007માં નિર્માણાધિન પૂલ તૂટી પડતાં એક મજૂરનું મોત થયું હતું. રાજ્યમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે. બે જ દિવસ પહેલા રાજુલામાં પણ હાઈવે પર બની રહેલો પૂલ તુટી પડ્યો હતો. અગાઉ મોરબીનો ઝુલતો પૂલ તૂટી પડ્યો ત્યારે એકસાથે 141 વ્યક્તિના મોત થઈ ગયા હતા. ઝુલતો પૂલ તૂટી પડ્યો હોવા છતાં પણ સરકાર જાગી નથી. ખુદ સરકારે તાજેતરમાં એવું કબૂલ્યું છે કે, રાજ્યમાં 63 બ્રિજ એવા છે કે જેને રિપેરિંગની જરૂર છે અને તેમાં પણ 23 બ્રિજ તો અત્યંત ખરાબ હાલતમાં છે.

મોરબીની ઝુલતા પૂલ હોનારત બાદ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ પણ ચર્ચામાં આવ્યો હતો. મોરબીનો ઝુલતો પુલ તૂટવાની ઘટના કારણે હાઈકોર્ટએ સુઓમોટો નોંધ લઈને સુનાવણી શરૂ કરી હતી અને રાજ્ય સરકાર પર તવાઈ લાવવામાં આવી હતી. રાજ્યમાં તમામ બ્રિજની સ્થિતિ અંગે હાઈકોર્ટની કડકાઈને પગલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી એવું જણાવ્યું હતું કે રાજ્યમાં 63 બ્રિજને રિપેર કરવાની જરૂરીયાત છે. સરકારે સોગંદનામામાં એવું પણ જણાવ્યું છે કે, આ બ્રિજ પૈકી 40 એવા બ્રિજ છે કે જેને સામાન્ય સમારકામની જરૂરીયાત છે.

જ્યારે 23 બ્રિજને તો તાત્કાલિક મરામતની જરૂર છે. જ્યાં બ્રિજને સમારકામની જરૂરીયાત છે તેવા બ્રિજમાં અમદાવાદના 12 બ્રિજ છે. જેમાં 10 બ્રિજને સામાન્ય અને 2 બ્રિજને વધુ રિપેરિંગની જરૂરીયાત છે. સુરતમાં પણ 13 બ્રિજને મરામતની જરૂર છે. તેમાં પણ 9ને વધુ રિપેરિંગ અને 4ને સામાન્ય રિપેરની જરૂરીયાત છે. આજ રીતે વડોદરામાં 4, રાજકોટમાં 1, જુનાગઢમાં 7 બ્રિજને રિપેર કરવાની જરૂરીયાત છે. ગાંધીનગરમાં કોઈ બ્રિજને રિપેરિંગની જરૂરીયાત નથી. હાઈકોર્ટે એવું કહ્યું છે કે જે બ્રિજને સમારકામની જરૂરીયાત હોય તેને ઝડપથી રિપેર કરો.

જ્યારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પુછ્યું ત્યારે સરકારે એવો ઘટસ્ફોટ પણ કર્યો હતો કે, રાજ્યમાં ગ્રામ્ય, જિલ્લા કે શહેરી વિસ્તારમાં કોઈ પુલ તૂટે તો તેની જવાબદારી કોની છે? તેની કોઈ જ સ્પષ્ટ નીતિ અમલમાં નથી. જેથી સરકાર આ અંગેની નીતિ અમલમાં લાવશે. આ ઘટસ્ફોટ કરવાની સાથે સાથે સરકાર દ્વારા રાજ્યના તમામ બ્રિજની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં બ્રિજના રિપેરિંગનો ખર્ચ અને જવાબદારીની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. આ વિગતો માર્ગ અને મકાન વિભાગના બ્રિજ બતાવતી હતી પરંતુ શહેરી વિકાસ વિભાગ હેઠળ આવતાં 63 બ્રિજને પણ મરામતની જરૂરીયાત છે. જે પૈકી 16 બ્રિજ પાલિકાની હદમાં અને 47 બ્રિજ મહાપાલિકાની હદમાં આવ્યા છે. આ પૈકી 29 બ્રિજનું રિપેરિંગ ચાલી રહ્યું છે. જ્યારે 33 બ્રિજ રિપેર થઈ ગયા છે.

રાજ્ય સરકાર દ્વારા ભલે હાઈકોર્ટમાં સોગંદનામું કરીને વિગતો રજૂ કરવામાં આવી હોય પરંતુ જોવા જેવી વાત એ છે કે, સરકારના સોગંદનામાને પગલે સરકારમાં કેવું લોલમલોલ ચાલી રહ્યું છે તે બહાર આવી ગયું છે. હદ તો ત્યારે થાય છે કે, બ્રિજ તૂટી પડે તો જવાબદારી કોની? તેની કોઈ નીતિ જ સરકાર પાસે નથી. જો 63 બ્રિજને મરામત કરાવવા જેવા છે તો સરકારે હજુ સુધી તેમની મરામત કરાવી કેમ નથી? જે બ્રિજ અત્યંત ખરાબ હાલતમાં છે તેવા બ્રિજનું રિપેરિંગ કામ ઝડપથી શરૂ થઈ જવું જોઈએ પરંતુ તેમ પણ થયું નથી. સરકારે સોગંદનામા દ્વારા ખૂદ પોતાની જ પોલ ખોલી નાખી છે ત્યારે હવે સરકાર જાગીને આ બ્રિજની મરામત કરાવે છે કે પછી અગાઉની જેમ વધુ એક હોનારતની રાહ જોવે છે તે જોવા જેવું છે. જો સરકાર ઝડપથી આ રિપેરિંગની કામગીરી શરૂ નહીં કરાવે તો વધુ એક હોનારત થશે તે નક્કી છે.

Most Popular

To Top