SURAT

હીરાની મંદીએ રત્નકલાકારોના બાળકોના ભવિષ્યને ઝાંખું કર્યું, 603 બાળકોએ અભ્યાસ છોડ્યો

સુરતઃ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કટિંગ અને પોલિશિંગ સેન્ટર સુરત મંદીના પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. દિવાળી વેકેશન પુરું થયું છતાં હજુ પણ 50% થી વધુ હીરાના એકમો બંધ છે. હીરા ઉદ્યોગની મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે અને તેના લીધે આ રત્નકલાકારોના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઉભું થયું છે. વાત એમ છે કે હીરાની મંદીના લીધે 603 બાળકોએ અભ્યાસ છોડી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં આવેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓમાં નોંધાયેલા હીરાના રત્નકલાકારોના આશરે 603 બાળકોએ તેમનો અભ્યાસ બંધ કરી દીધો છે. આ બાળકોએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી પણ લઈ લીધી છે.

સુરત શહેરમાં વૈશ્વિક સ્તરે દર 100માંથી 90 હીરાનું કટિંગ અને પોલિશિંગ થાય છે. જોકે, યુક્રેન અને રશિયા તેમજ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હીરા ક્ષેત્રે મંદી થઈ રહી છે. દિવાળીનું વેકેશન લાંબું ખેંચાયું છે. મોટાભાગના હીરાના કારખાનાઓ વેકેશન બાદ ખુલ્યા નથી. વર્તમાન મંદીએ અસંખ્ય હીરાના રત્નકલાકારોની આજીવિકા પર નોંધપાત્ર અસર કરી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાના જણાવ્યા અનુસાર, વરાછા ઝોનમાં કુલ 50 શાળાઓ આવેલી છે. હીરાના રત્નકલાકારોના પરિવારોના વિદ્યાર્થીઓ આ શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવે છે. તાજેતરના એવું ધ્યાન પર આવ્યું છે કે આ 50 શાળાઓમાંથી 603 થી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એવું લાગે છે કે હીરા બજારમાં મંદીને કારણે રત્નકલાકારો તેમના બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા સક્ષમ રહ્યાં હશે નહીં. તેઓએ લોન લેવાની નોબત આવી પડી હશે. આ વિદ્યાર્થીઓના શાળાઓમાંથી બહાર જવા પાછળના કારણો અંગેની માહિતી એકત્ર કરવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. અમે સૌરાષ્ટ્ર અને નજીકના પ્રદેશોના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની પણ સમીક્ષા કરીશું. તેમનું શિક્ષણ સરળતાથી ચાલુ રહે તેની ખાતરી આપવા માટે અમે પગલાં અમલમાં મુકીશું.

ડાયમંડ વર્કર્સ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે કહ્યું કે સંગઠનને પગારમાં કાપ અને છટણીના કેસ સહિત અસંખ્ય ફરિયાદો મળી રહી છે. હીરા ક્ષેત્રના કર્મચારીઓને તેમના ઘરના ખર્ચનું સંચાલન કરવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે હીરા કંપનીઓ દ્વારા તેમના પગારમાં લગભગ અડધો ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ વધતી જતી મોંઘવારી ઓછી આવક ધરાવતા કામદારોની મુશ્કેલીઓને વધુ તીવ્ર બનાવી રહી છે.

ટાંકે વધુમાં કહ્યું કે, ઉદ્યોગમાં નોંધપાત્ર મંદી હોવાથી હીરા કામદારોના પરિવારોને સુરતથી વિદાય લેવાની ફરજ પડી છે. મોટા ભાગના નાના હીરાના એકમો હાલ પૂરતું બંધ છે. સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર સંખ્યામાં લોકો તેમના વતન જવા રવાના થયા છે. અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ પગલાં ભરે અને અસરગ્રસ્ત હીરાના કારીગરો માટે રાહત પેકેજ જાહેર કરે.

Most Popular

To Top