અમેરિકા: અમેરિકા (America) માં બોમ્બ સાયક્લોન (Bomb Cyclone)ને કારણે દેશના ઘણા ભાગો તીવ્ર ઠંડીની લપેટમાં આવી ગયા છે. જેના કારણે ઓછામાં ઓછા 60 લોકોના મોત (Death)થયા છે. આ વાવાઝોડામાં હજુ વધુ લોકોના મોત થવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ઘણું નુકસાન થયું છે. તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. આ સાથે જ તેજ ગતિએ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. સ્થિતિ વધુ વણસે તેવી આશંકા છે. ઠંડીથી પ્રભાવિત સ્થળો પર સર્વત્ર બરફની જાડી ચાદર પડેલી જોવા મળી રહી છે. વેસ્ટર્ન ન્યૂયોર્કમાં ભારે બરફનાં કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિને કારણે ફ્લાઈટ કેન્સલ થઈ રહી છે અને રોડ બ્લોક થઈ રહ્યા છે. બરફના તોફાનને કારણે હજારો ઘરો અને વ્યવસાયો વીજળી વિનાના છે. દેશની લગભગ 60 ટકા વસ્તી અસરગ્રસ્ત થઇ છે.
બોમ્બ સાયકલોનાં કારણે 20 કરોડ લોકો પ્રભાવિત
અમેરિકામાં ક્રિસમસ દરમિયાન બરફના તોફાનથી દેશના લગભગ 20 કરોડ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. 49 લોકોના મોત થયા છે, જ્યારે કેનેડામાં પણ ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. તોફાનની અસર મેક્સિકો સુધી જોવા મળી રહી છે. અહીં દર્દીઓ સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી અને ઘણા શહેરોમાં વીજળી પણ બંધ છે. સૌથી વધુ પ્રભાવિત ન્યુયોર્ક અને મોન્ટાના જેવા શહેરો છે જ્યાં તાપમાન માઈનસ 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અમેરિકાના ઉત્તરપૂર્વના ભાગોમાં હજુ પણ બરફના તોફાનની સ્થિતિ છે. લાખો ઘરોમાં વીજળી નથી, હિલચાલ અટકી ગઈ છે અને ચારે બાજુ બરફ છે. આયોવા, વિસ્કોન્સિન, મિનેસોટા અને મિશિગનમાં પણ સ્થિતિ ખરાબ છે. અમેરિકાની બફેલોમાં ઝીરો વિઝિબિલિટી છે તેમજ 12 લોકોના મોત થયા છે.
ન્યૂયોર્કમાં 30 થી 40 ઇંચનાં બરફનાં થર જામ્યા
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે આ સદીનું સૌથી ખરાબ બરફનું તોફાન છે. પશ્ચિમ ન્યુયોર્કના વિસ્તારો 30 થી 40 ઈંચ બરફથી ઢંકાયેલા રહ્યા. હોચુલે ફોન પર રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વાત કરી, તેમની મદદ માટે વિનંતી કરી. બિડેને કહ્યું કે ફેડરલ સરકાર મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરશે. વાવાઝોડાને કારણે સિએટલમાં પાવર આઉટ થઈ ગયો હતો. પરંતુ ઘણા પ્રયત્નો પછી, અમેરિકામાં ગરમી અને વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. ક્રિસમસ નિમિત્તે એરપોર્ટ પર અનેક મુસાફરો ફસાયા હતા. તેમની ફ્લાઇટ કાં તો રદ કરવામાં આવી હતી અથવા વિલંબિત થઈ હતી. એટલાન્ટા, શિકાગો, ડેન્વર, ડેટ્રોઇટ અને ન્યુયોર્કના એરપોર્ટની હાલત ખરાબ હતી. એક વેધર સર્વિસ અનુસાર, 43 ઈંચ સુધી હિમવર્ષા નોંધાઈ છે. બફેલોમાં એક કલાકમાં 2 થી 3 ઈંચ બરફ પડ્યો હતો. ન્યૂયોર્કમાં હાલમાં બરફવર્ષાથી રાહતની આશા નથી. હવામાન વિભાગે 14 ઈંચ હિમવર્ષા થવાની આગાહી કરી છે. આ પહેલાથી જ બરફથી ઘેરાયેલા શહેરની મુશ્કેલીઓમાં વધારો કરશે.
કારમાંથી મળી લાશ
કેટલાક અમેરિકન પ્રદેશોમાં તો સ્થિતિ એવી છે કે દરવાજામાંથી હાથ બહાર કાઢતા જ બરફની જેમ જામી જાય છે. ન્યૂયોર્કની હાલત ખરાબથી ખરાબ થઈ રહી છે. બફેલો સિટીમાં, એરી તળાવ થીજી ગયું છે. અહીં કેટલાક લોકોના મૃતદેહ કારમાંથી મળી આવ્યા હતા અને કેટલાક બરફમાં દટાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે સલાહ આપી છે કે જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તેઓએ યોગ્ય કપડાં પહેરવા જોઈએ. તમારા ચહેરા અને ત્વચાને બને તેટલું ઢાંકીને રાખો. ઉપરાંત, કારમાં સેફ્ટી કિટ સાથે રાખો. આખા અઠવાડિયા સુધી વાતાવરણ આવું જ રહેશે અને લોકોને ઘરની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવી છે.