60 વર્ષની ઉપરની વયના દરેકને અને 45 વર્ષની ઉપરના અન્ય બિમારી ધરાવતા લોકોને પહેલી માર્ચથી સરકારી સુવિધાઓમાં મફત અને ઘણી ખાનગી હૉસ્પિટલ્સમાં પૈસા ચૂકવીને કોરોના સામેની રસી મળશે એમ સરકારે આજે જણાવ્યું હતું.
કૅબિનેટની મીટિંગ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળી હતી અને એમાં રસીકરણના આગામી તબક્કા અંગેનો નિર્ણય લેવાયો હતો એમ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશનો બીજો તબક્કો સોમવારથી શરૂ થશે અને એમાં 60 વર્ષની ઉપરની દરેક વ્યક્તિ જ્યારે અન્ય બીમારી ધરાવતી 45 વર્ષની ઉપરની વ્યક્તિને 1000 સરકારી તબીબી સુવિધાઓ અને 20000થી વધુ ખાનગી હૉસ્પિટલ્સમાં રસી આપવામાં આવશે. 60ની ઉપરના લોકોની સંખ્યા દેશમાં 10 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
જે લોકો સરકારી સુવિધાઓમાં જશે એમને રસી વિના મૂલ્યે અપાશે અને એમની ચૂકવણી ભારત સરકાર કરશે. સરકાર જરૂરી ડૉઝ ખરીદશે અને તમામ રાજ્યોને મોકલશે.
જેઓ ખાનગી હૉસ્પિટલ્સમાં રસી મૂકાવવા માગતા હોય એમણે એનાં નાણાં ચૂકવવા પડશે. પણ કેટલાં નાણાં એ આરોગ્ય મંત્રાલય આગામી ત્રણ-ચાર દિવસમાં નક્કી કરશે. આરોગ્ય મંત્રાલય આ મામલે રસી ઉત્પાદકો અને હૉસ્પિટલ્સ સાથે મસલત કરી રહ્યું છે.
શું લોકોને કઈ રસી-કોવીશિલ્ડ કે કોવાક્સિન, મૂકાવવી એનો વિકલ્પ મળશે? એવું પૂછાતા જાવડેકરે કહ્યું કે દેશ પાસે બે રસી હોવાનો ગર્વ છે અને બેઉ નીવડેલી એફિકસી સાથે અસરકારક છે. કોવિશીલ્ડ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની છે અને સિરમ ઈન્સ્ટીટ્યુટ બનાવે છે જ્યારે કોવાક્સિન ભારત બાયોટેકની સ્વદેશી રસી છે.
જાવડેકરે કહ્યું કે દેશમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો આરંભ 16 જાન્યુઆરીએ થયો હતોહતો. 1,07,67000 લોકોને રસી અપાઇ છે અને 14 લાખ લોકોને બીજો ડૉઝ પણ અપાઇ ચૂક્યો છે. રસીકરણ દેશમાં સફળ અને કોઇ મુશ્કેલી વિનાનું રહ્યું છે.