ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમે અત્યાર સુધી પાંચ વખત ટૂર્નામેન્ટ જીતી છે. તેમાં સતત છેલ્લાં બે વર્ષમાં વિજેતા ટાઇટલનો પણ સમાવેશ થાય છે. હવે આ વર્ષે (આઈપીએલ 2021) આઈપીએલના ઇતિહાસમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સને હેટ્રિક બનાવવાની તક છે.
મુંબઈ ઈન્ડિયન્સ વર્ષના બે મહિના નહીં પણ આખા વર્ષ માટે આઈપીએલની તૈયારી કરતી હોય છે. મુંબઈ ઈન્ડિયન્સના તત્કાલીન કોચ જોન રાઈટ જસપ્રિત બુમરાહને સ્થાનિક ટૂર્નામેન્ટમાં બોલિંગ કરતા નિહાળ્યો હતો અને ત્યારબાદની હરાજીમાં મુંબઈએ બુમરાહ પર દાવ લગાવ્યો હતો અને પછી જે બન્યું તે ઇતિહાસ છે.
મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષની આઈપીએલ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. તૈયારીઓના ભાગરૂપે, તેઓએ ટ્રાયલ માટે 16 વર્ષીય લેગ સ્પિનર ખ્રીવિટસો કેન્સની પસંદગી કરી છે જે નાગાલેન્ડનો ઉભરતો ખેલાડી છે.
ખ્રિવિટ્સો કોણ છે?
ખ્રિવિટ્સો આઈપીએલ ટીમનું ધ્યાન આકર્ષિત કરનાર નાગાલેન્ડનો પ્રથમ ખેલાડી છે. તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2021માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. 16 વર્ષીય ક્રિકેટરે તેની પ્રથમ મેચમાં બધાને પ્રભાવિત કર્યા. તેણે ચાર મેચમાં 5.47 ના ઇકોનોમી રેટથી 7 વિકેટ લીધી હતી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 16 રનમાં ત્રણ વિકેટ હતું.
એક અહેવાલ મુજબ મુંબઇ ઇન્ડિયન્સના અધિકારીઓ ખ્રિવિટ્સોથી ખાસા પ્રભાવિત થયા છે તેથી તેની ટ્રાયલ માટે પસંદ કરવામાં આવી છે. નાગાલેન્ડના નાના ગામના આ યુવા ખેલાડી માટે આ એક મોટી વાત છે. જો તે આ ટ્રાયલ પસાર કરે તો તેને આ વર્ષની આઈપીએલમાં સારી બોલી મળે તેવી સંભાવના છે.