ધૂળેટીની રાત્રે સુરત શહેરમાં માસૂમ બાળકી બળાત્કારનો ભોગ બની છે. અહીંના કતારગામ વિસ્તારમાં રાત્રિના સમયે ફૂટપાથ પર પરિવાર સાથે ઊંઘતી 6 વર્ષની બાળકીનું નરાધમ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે.
- રાત્રિના 11 વાગ્યા બાદની ઘટનાઃ રાતે 1.30 કલાકે બાળકી પરત માતા પાસે પહોંચી
- માતા બાળકીને સ્મીમેર સારવાર માટે લઈ જતા પીડિતા બળાત્કારનો ભોગ બની હોવાનો ઘટસ્ફોટ
પાશવી બળાત્કારનો ભાંગ બનેલી માસુમ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તબીબો દ્વારા તેને સઘન સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની સહિત ક્રાઈમ બ્રાંચ દ્વારા નરાધમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જેને પગલે વિસ્તારમાં સીસીટીવીની તપાસની સાથે સાથે એફએસએલની ટીમ પણ તપાસમાં જોતરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ રાત્રે શહેરનાં કતારગામ વિસ્તારમાં વધુ એક બળાત્કારની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. શ્રમજીવી પરિવારની માત્ર 6 વર્ષની બાળકી પર અજાણ્યા નરાધમ દ્વારા બળાત્કારની ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ કતારગામ ગજેરા સર્કલ પાસે 14મી તારીખની રાત્રે 11 વાગ્યાના અરસામાં 6 વર્ષની માસુમ બાળકી પોતાની માતા સાથે નિદ્રાધીન હતી. આ દરમિયાન અજાણ્યો ઈસમ બાળકીનું મોંઢું દબાવીને તેનું અપહરણ કરીને લઈ ગયા બાદ તેની પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
મોડી રાત્રે 1.30 કલાકે માસુમ બાળકી ગંભીર હાલતમાં પોતાની માતા પાસે પહોંચી હતી. જ્યાં તેણે પોતાના ગુપ્તાંગમાં દુ:ખતું હોવાનું માતાને જણાવ્યું હતું. જેને પગલે આજે સવારે પીડિતાને લઈને માતા સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તબીબો દ્વારા માસુમ બાળકીનું પરીક્ષણ કરતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
બાળકીનાં ગુપ્ત ભાગે લોહી નીકળતું હોવાની જાણ થતાં તબીબોએ સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં તેના પર પાશવી બળાત્કાર ગુજારાયો હોવાનું ફલિત થયું હતું. સ્મીમેર હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો. પોલીસ ઉચ્ચાધિકારીઓની સાથે-સાથે કાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ગજેરા સર્કલની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
બીજી તરફ એફએસએલની ટીમ દ્વારા પણ પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, હાલના તબકક્કે આરોપીએ બાળકીનું અપહરણ કર્યા બાદ કયા સ્થળે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો તે જાણવા મળ્યું નથી. હાલમાં બાળકીને સ્મીમેર હોસ્પિટલમાં જ સધન સારવાર હેઠળ રાખવામાં આવી છે.
