SURAT

સિંગણપોરના એક એપાર્ટમેન્ટના મીટરપેટીમાં શોર્ટ સર્કિટ થતા 4 વાહનો સળગી ગયા

સુરત: સિંગણપોર (Singanpore) હનુમાન મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ એક ઇલેક્ટ્રિક બાઇક અને 3 મોપેડ બળી ગયા હતા. આજે શુક્રવારે વહેલી સવાર ના લગભગ પોણા આઠ વાગ્યાના અરસામાં બનેલી ઘટના બાદ ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા. લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે મીટર પેટીમાં થયેલા શોર્ટ સર્કિટ ને કારણે વીજળી ડુલ થઈ જતા કામ પર જતાં લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો

ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ મળતા જ ફાયરના (Fire) જવાનોને દોડાવી દેવાયા હતા. ઘટના સ્થળે ચાર વાહન સળગી રહ્યા હતા. જેની આગને કાબુમાં લીધા બાદ તપાસ કરતા વીજ મીટર પેટીમાં શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હતી.

સ્થાનિક રહેવાસી હરેશભાઇ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે કેટલીક ક્ષણો માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ફાયરના જવાનો સમયસર દોડી આવતા કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. હાલ પરિસ્થિતિ કાબુમાં છે માત્ર વીજળી ડૂલ થઈ જવાના કારણે લોકો પરેશાન છે.

અડાજણમાં ઈલેક્ટ્રિક થાંભલા પર કામ કરતો કર્મચારી બેભાન થઈ ગયો
સુરત: અડાજણ બસ ડેપોની બાજુમાં ઈલેક્ટ્રિક થાંભલા પર જીઈબીનો કર્મચારી કામ કરી રહ્યો હતો. ત્યારે તેના હાથમાં કટર વાગતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો અને બેભાન થઇ જતાં થાંભલા ઉપર જ લટકી રહ્યો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ ઘટના અંગે ફાયર વિભાગમાં જાણ કરી હતી. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી કર્મચારીનું તુરંત જ રેસ્ક્યુ કર્યુ હતું. રેસ્ક્યુ કરી કર્મચારીને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જી.ઈ.બી.નો કર્મચારી 35 વર્ષના હરીશ વસાવા ગુરુવારે સવારે અડાજણ બસ ડેપોની બાજુમાં ઈલેક્ટ્રિકના થાંભલા ઉપર ચઢીને કામ કરી રહ્યો હતો. અને કામ કરતા સમયે વાયર કટિંગની કટર તેના જમણા હાથમાં વાગી જતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો અને બેભાન થઈ થાંભલા પર લટકી પડ્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકોએ આ દૃશ્ય જોતાં તુરંત જ ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જીઈબીના કર્મચારીનું તુરંત જ રેસ્ક્યુ કર્યુ હતું અને તેને નીચે ઉતાર્યો હતો. બાદ સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ મોકલાયો હતો.

Most Popular

To Top