Sports

એક ઓવરમાં 6 સિક્સઃ આ બેટ્સમેને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ આજે મંગળવાર ને 20 ઓગસ્ટ 2024નો દિવસ વર્લ્ડ T20 ક્રિકેટમાં ખૂબ જ ખાસ દિવસ રહ્યો છે. આજના દિવસે સમોઆની રાજધાની અપિયામાં એક શાનદાર T20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી, જેમાં સિક્સર કિંગ તરીકે ઓળખાતા યુવરાજ સિંહનો રેકોર્ડ તૂટ્યો છે.

આ મેચમાં સમોઆ અને વનુઆતુની ટીમો સામસામે ટકરાઈ હતી. આ મેચ ICC મેન્સ T20 વર્લ્ડ કપ સબ રિજનલ ઈસ્ટ એશિયા-પેસિફિક ક્વોલિફાયર A ઈવેન્ટ હેઠળ રમાઈ હતી. આ T20 ઈન્ટરનેશનલ મેચમાં સમોઆએ 10 રને જીત મેળવી હતી.

આ મેચમાં સમોઆના ડેરિયસ વિસેરે 62 બોલમાં 132 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન ડેરિયસે 14 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 212.90 હતો પરંતુ તેની ઇનિંગમાં એક ખાસ રેકોર્ડ બન્યો હતો.

28 વર્ષના ડેરિયસે એક જ ઓવરમાં 39 રન બનાવીને યુવરાજ સહિત તમામ ખેલાડીઓના રેકોર્ડને તોડી નાંખ્યા છે. ડેરિયસે સમોઆની ઇનિંગ્સની 15મી ઓવરમાં એક ઓવરમાં 39 રનનો આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. આ ઓવર વનુઆતુના નલિન નિપિકોએ ફેંકી હતી. આ ઓવરમાં તેણે 3 નો બોલ પણ નાખ્યા હતા. ડેરિયસે આ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. જોકે તેણે સળંગ 6 બોલમાં 6 સિક્સ ફટકારી નહોતી. ડેરિયસે ચોથો અને પાંચમો બોલ ડોટ રમ્યો હતો.

મોટી વાત એ છે કે ડેરિયસના કરિયરની આ માત્ર ત્રીજી T20 મેચ હતી. જેમાં તેણે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. મેચની વાત કરીએ તો ડેરિયસની બેજોડ ઇનિંગ્સના કારણે સમોઆએ મેચમાં 174 રન બનાવ્યા હતા. જવાબમાં વનુઆતુએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ટીમ 9 વિકેટે 164 રન સુધી જ પહોંચી શકી અને 10 રનથી મેચ હારી ગઈ હતી.

એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તૂટી ગયો
હવે ઈન્ટરનેશનલ સિવાય ઓવરઓલ T20માં એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ડેરિયસ ઓવરઓલ T20માં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. અગાઉ T20 ક્રિકેટમાં આ રેકોર્ડ 38 રનનો હતો, જે 24 જુલાઈ 2012ના રોજ સસેક્સ અને ગ્લોસ્ટરશાયર વચ્ચેની મેચમાં બન્યો હતો.

જ્યારે આ પહેલા ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં માત્ર 36 રન જ બની શક્યા હતા. આ સિદ્ધિ યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપમાં, 2021માં કિરોન પોલાર્ડ, 2024માં નિકોલસ પૂરન, દીપેન્દ્ર સિંહ એરે અને રોહિત શર્મા અને રિંકુ સિંહે હાંસલ કરી હતી. પરંતુ હવે આ તમામ રેકોર્ડ તૂટી ગયા છે.

Most Popular

To Top