Gujarat

રેલ્વેની વિભાગીય પરીક્ષામાં લાંચ લેવાના કેસમાં 5 અધિકારી સહિત 6ની ધરપકડ

ગાંધીનગર: પશ્વિમ રેલવેની પરીક્ષામાં ચોરી કરવાના મામલે થયેલી ફરિયાદના સંદર્ભમાં સીબીઆઈએ ફરિયાદ દાખલ કરીને પાંચ રેલવે અધિકારી અને એક વચેટિયાની ધરપકડ કરી છે. વડોદરા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં સીબીઆઈએ કરેલી દરોડાની કાર્યવાહીમાં 650 ગ્રામ સોનું તથા 5 લાખ રોકડા પણ મળી આવતા જપ્ત કરી લેવાયા છે.

સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ રેલવે અધિકારીઓમાં (1) સુનિલ બિશ્નોઈ, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર વડોદરા ડિવિઝન, પશ્ચિમ રેલવે, વડોદરા, (2)અંકુશ વાસન, ડિવિઝનલ પર્સનલ ઓફિસર પશ્ચિમ રેલવે, વડોદરા (3) સંજય કુમાર તિવારી, ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજર, ચર્ચ ગેટ, પશ્ચિમ રેલવે, મુંબઈ, (4) નીરજ સિંહા, ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ (5) દિનેશ કુમાર, નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ, ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, સાબરમતી, અમદાવાદ અને (6) મુકેશ મીણા (વચેટિયો)નો સમાવેશ થાય છે.

રેલવેની પરીક્ષામાં વડોદરા ડીઆરએમની ઓફિસના કેટલાંક અધિકારીઓની સંડોવણી હોવાની વિગતો બહાર આવી હતી. જેના પગલે સીબીઆઈએ ફરિયાદ દાખલ કરીને તેમાં દરોડા પાડીને છ આરોપીની ધરપકડ કરી છે. સીબીઆઈએ પશ્ચિમ રેલવેની મર્યાદિત વિભાગીય પરીક્ષામાં ઉમેદવારોની તરફેણ કરવા માટે મોટી લાંચ લેવાના આરોપમાં પશ્ચિમ રેલવેના વડોદરાના DRMની ઓફિસમાં બે અધિકારી અને અન્ય લોકો સાથે સંકળાયેલા લાંચિયા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દરોડાની કાર્યવાહી દરમ્યાન સીબીઆઈએ 6 આરોપીની ધરપકડ કરીને ગુજરાતના વડોદરા સહિત 11 સ્થળે આરોપીઓના રહેણાંક અને સત્તાવાર પરિસરમાં દરોડા પાડ્યા હતા, જેમાં 650 ગ્રામ સોનાની લગડી, 5 લાખ રૂપિયા રોકડા (આશરે), ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ અને ગુનાહિત દસ્તાવેજો વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા.

સીબીઆઈના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રેલવે વિભાગીય પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો પાસેથી આગામી પરીક્ષામાં પસંદગીનું વચન આપીને પૈસા વસૂલ કરવામાં આવતા હતા. પશ્ચિમ રેલવેના આરોપી ડિવિઝનલ પર્સનલ ઓફિસરે પશ્ચિમ રેલવેના આરોપી ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજરને ઉપરોક્ત પરીક્ષામાં પસંદગી માટે લાંચ આપવા માટે તૈયાર ઓછામાં ઓછા 10 ઉમેદવારોની યાદી તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. કથિત રીતે પશ્ચિમ રેલવેના આરોપી ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજરે બદલામાં વડોદરાના ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટનો સંપર્ક કર્યો હતો અને ખાનગી વ્યક્તિ આવા ઉમેદવારોનો સંપર્ક કરે અને તેમની પાસેથી લાંચ વસૂલ કરે.

એવો પણ આક્ષેપ છે કે રેલવેના અધિકારીએ વડોદરાના એક ઝવેરીને રોકડના બદલામાં લગભગ 400 ગ્રામ સોનું ખરીદવા માટે કોઈ ઇન્વોઇસ જનરેટ કર્યા વિના સંપર્ક કર્યો હતો. વધુમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે પશ્ચિમ રેલવેના ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજર આણંદ ગયા હતા, ખાનગી વ્યક્તિને મળ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ લીધી હતી. સોનું ખરીદવા માટે 57 લાખની ચૂકવણી પણ કરાઈ હતી.

Most Popular

To Top