બારડોલી: સુરત બારડોલી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. અહીંના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ કારમાં બેઠેલાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાના પગલે બારડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
- સુરત બારડોલી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
- બમરોલી નજીક ડમ્પરે કારને જોરદાર ટક્કર મારી
- માંડવીના પરિવારના 6 સભ્યોના ઘટના સ્થળે જ મોત
- કારમાં બેઠેલા એકેય જણ બચ્યા નહીં
- પરિવાર બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર તમામ 6 મૃતકો એક જ પરિવારના હતા. તેઓ સુરત જિલ્લાના માંડવીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં પરિવાર ગયો હતો. ત્યારે રસ્તામાં કારની ડમ્પર સાથે ટક્કર થઈ હતી. કારમાં 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળક હતા. જે તમામના મોત થયા છે.
ઘટના એટલી ભયંકર હતી કે તેને નજરે જોનારા કાંપી ઉઠ્યા હતા. આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસને આ ઘટનાની માહિતી મળી ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વ્યારા કટાસવાણ ગામની સીમમાં અજાણ્યા વાહને અડફેટે લેતાં એકનું મોત
વ્યારા: વ્યારા કટાસવાણ ગામની સીમમાં સુરત- ધુલિયા ને.હા. ૫૩ ઉપર તા.૫/૫/૨૦૨૩નાં રોજ સાંજે ૭:૪૫ વાગ્યાના અરસામાં ભિખારી જેવો એક અજાણ્યો ઇસમ સોનગઢ તરફ જતા ટ્રેક પરથી ચાલતો જતો હતો, તે વખતે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતાં આ ભિખારી જેવા શખને ગંભીર ઇજા પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.