દમણ :
સંઘપ્રદેશ દમણમાં વધુ 6 કેસ કોરોના પોઝીટીવના નોંધાયા છે. જેને લઈ પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 21 ઉપર પોંહચી જવા પામી છે. આજરોજ વધુ 2 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1406 જેટલા દર્દીઓ સાજા થવા પામ્યા છે. દમણમાં 21 જેટલા કેસ નોંધાયા બાદ પણ કોઈ પણ જગ્યાએ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા નથી. શનિવારના રોજ સવારે 10 થી સાંજે 5 સુધી કોવિડ રસિકરણનું કાર્ય મરવડ હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મોટી દમણ, હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર ખારાવાડ તથા પ્રાયમરી હેલ્થ સેન્ટર ડાભેલ અને કચીગામ ખાતે કરવામાં આવશે.
ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ ( CORONA TESTING) ની સંખ્યા વધારવા તેમજ કોન્ટેક ટ્રેસિંગ ઉપર વિશેષ ધ્યાન આપવા અને કન્ટેનમેન્ટ ઝોન જરૂર જણાય ત્યાં વધારવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મનપા દ્વારા કોરોનાના કેસો વધી જતાં હવે તમામ બાગ બગીચા તેમજ પ્રાણી સંગ્રહાલય બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. જયારે સુરત સહિત ચાર મહાનગરોમાં રાત્રીના 10થી સવારના છ વાગ્યા સુધી કફર્યુ લાગુ કરાયો છે. મુખ્ય મંત્રી રૂપાણીએ રાજ્યમાં કોરોના વેકસીનેશનની ( CORONA VACCINATION) કામગીરીનો વ્યાપ વધારવા વધુ સેન્ટરો ખોલવા માટે અને કોરોના વેકસીનેશન સેન્ટરનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીનો રાખવા માટે પણ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.
હાલ સરેરાશ રોજના દોઢ લાખ લોકોનું વેકેસીનેશન થાય છે તે વધારીને ત્રણ લાખ સુધી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ફરજીયાત માસ્ક ( MASK) અને સોશિયલ ડિસ્ટન્સના ( SOCIAL DISTANCE) નિયમોનું કડકાઇથી પાલન થાય અને નિયમોના ભંગ સામે ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી પણ સૂચનાઓ આપી છે. રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવોને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલિન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એમ.થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે.