વડોદરા,તા. 6 : પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના બની હતી. જેમાં ચાલી રહેલા બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો માલસામાન ભરેલો રોપ-વે તૂટી પડતા 6 લોકોના કરૂણ મોત થયા હતા. આ રોપ-વેનો ઉપયોગ માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ સામગ્રી પહોંચાડવા માટે કરવામાં આવતો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ચાલી રહેલા નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાતા ગુડ્સ રોપ-વે એટલે કે માલસામાનનો રોપ-વે માં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાંધકામની સામગ્રી ઉપર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતો રોપ-વે અચાનક તૂટી પડ્યો હતો. જેના પરિણામે એક મોટી દુર્ઘટના બની હતી. આ ગમખ્વાર ઘટનામાં કુલ 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સર્જાયેલા આ અકસ્માતના મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટરો, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાએ પાવાગઢમાં ચાલી રહેલા વિકાસકાર્ય પર પણ ગંભીર સવાલ ઉભા કર્યા છે.

અહીં મંદિર ૮૦૦ મીટરની ઉંચાઇએ છે અને યાત્રાળુઓ પગથિયા ચડીને કે પછી રોપ-વેમાં બેસીને મંદિર પર જાય છે. જો કે આજે જે રોપ-વે તૂટી પડ્યો તે બાંધકામની સામગ્રી લઇ જવા માટેનો ગુડ્સ રોપ-વે હતો. યાત્રાળુઓ માટેનો રોપ-વે ખરાબ હવામાનને કારણે આજે સવારથી બંધ કરી દેવાયો હતો એમ પણ જાણવા મળે છે. ચાંપાનેરની પાવાગઢની ટેકરીઓ ઘણી પ્રખ્યાત છે અને તેમાં એક ટેકરીની ટોચ પર કાળી માતાનું મંદિર છે. અહીં ઘણા યાત્રાળુઓ અને પર્યટકો આવતા હોય છે. દર વર્ષે અહીં અઢી લાખ જેટલા મુલાકાતીઓ આવે છે તેવો અંદાજ છે.