SURAT

સુરત એરપોર્ટ પરથી દાણચોરીનું 6 કિલો સોનું પકડાયું, ચડ્ડીમાં સંતાડી લાવ્યા હતા

સુરત: ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) સુરતના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે બુધવારે શારજાહથી સુરત આવેલી ફલાઇટમાં મુસાફરી કરનારા બે પેસેન્જરને 4.72 કરોડની કિંમતના 6 કિલો સોનાં સાથે ઝડપી પાડ્યા હતાં.

ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) સુરતના અધિકારીઓએ વિપુલ શેલડિયા અને અભયકુમાર નામના આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓની પૂરતી પૂછપરછ એજન્સીએ કરી હોવાનું કારણ આપી બંને આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

ડીઆરઆઇનાં સૂત્રોના જણાવ્યા મુજબ કેરિયર વિપુલ શેલડિયા અને અભયકુમાર ચડ્ડીની અંદર અને ઉપર બેલ્ટ બાંધી સોનું સંતાડી લાવ્યા હતા. પૂર્વ બાતમીના આધારે તેમની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને અટકાયતમાં લઈ ઝડતી લેવામાં આવી હતી. જેમાં શરીર પરથી 4.72 કરોડની કિંમતનું 6 કિલો સોનું મળી આવ્યું હતું. તેઓ પેસ્ટ ફોર્મમાં ચડ્ડીમાં સોનું સંતાડી લાવ્યા હતા.

કેન્દ્રીય બજેટમાં ગોલ્ડ પરની ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટી 6 ટકા થઈ જતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ અને શારજાહથી થતી સોનાની દાણચોરીનાં કેસમાં ઘટાડો થયો નથી. દુબઈમાં સોનું સસ્તું અને ભારતમાં મોંઘુ થયું હોવાથી દાણચોર ટોળકીઓ ફરી સક્રિય થઈ છે. સુરતમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 79,530 રૂપિયે મળી રહ્યું છે. એના પ્રમાણમાં દુબઈમાં સોનાની કિંમત ઓછી છે. ભારતમાં આયાતી ગોલ્ડ પર 6 ટકા કસ્ટમ ડ્યુટી હોવાથી અત્યારે પણ દાણચોરોને લાભ થઈ રહ્યો છે.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઘર્ષણની ઘટના પછી સોનાનો ભાવ 10 ગ્રામનો 80,000ને પાર થઈ ગયા પછી દાણચોર ટોળકીઓ ફરી સક્રિય થઈ હતી. ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રમાણમાં દુબઈમાં સોનું સસ્તું મળી રહ્યું છે. સુરત એરપોર્ટ પર કસટમ્સ વિભાગના અધિકારીઓ પણ શારજાહ અને દુબઈથી આવતી ફ્લાઇટનાં પેસેન્જરોના ચેકિંગમાં કલાકો લગાડી રહ્યાં છે.

સુરત DRIએ 30 દિવસમાં ત્રણ મોટા ઓપરેશન પાર પાડ્યા
માત્ર 30 દિવસના ટૂંકા ગાળામાં સુરત ડીઆરઆઈએ ત્રણ મોટા ઓપરેશન પાર પાડ્યા છે. 8 ઓકટોબરના રોજ જીઆઈડીસી ઉંમરગામ ખાતે સિન્થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્પાદન સાથે સંકળાયેલા અન્ય ફેક્ટરી સેટઅપનો પર્દાફાશ કર્યો હતો.

DRI દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે, DRI સુરત અને વાપીની ટીમોએ 08.10.2024ના રોજ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ ગુજરાતના GIDC ઉંમરગામ અને દેહરી, વલસાડ જિલ્લાના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મેફેડ્રોનના ગેરકાયદે ઉત્પાદન સાથે સંકળાયેલા મેસર્સ સૌરવ ક્રિએશન્સ નામની GIDC ઉંમરગામમાં આવેલી ફેક્ટરી શોધી કાઢી હતી.

વલસાડની ફોરેન્સિક સાયન્સ લેબની ટીમે ફેક્ટરીમાં મળી આવેલા શંકાસ્પદ સાયકોટ્રોપિક પદાર્થમાં મેફેડ્રોનની હાજરીની પુષ્ટિ કરી હતી. ફેક્ટરીમાંથી પ્રવાહી સ્વરૂપે કુલ 17.3 કિલો મેફેડ્રોન મળી આવ્યો હતો. આ ઓપરેશનમાં CID, ગુજરાતની નાર્કોટિક સેલની ટીમે મદદ કરી હતી. આ યુનિટમાંથી જપ્ત કરાયેલા સાયકોટ્રોપિક પદાર્થની ગેરકાયદે બજાર કિંમત આશરે રૂ. 25 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

NDPS એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ તમામ જપ્ત કરાયેલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. બીજી ઘટનામાં 20ઓકટોબરના રોજ અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં પેસેન્જરને સુરત રેલવે સ્ટેશને ઉતારી 8 કરોડની કિંમતનું 10 કિલો સોનું પકડી પાડ્યું હતું. એ પછી બુધવારે 6 નવેમ્બરના રોજ શારજાહ સુરત ફ્લાઇટમાં આવેલા બે પેસેન્જર પાસેથી 4.72 કરોડની કિંમતનું 6 કિલો સોનું ઝડપી પાડ્યું છે.

Most Popular

To Top