National

કેદારનાથથી પરત આવી 6 હેલીકોપ્ટર કંપનીઓ, ચોમાસામાં ફક્ત બે સંસ્થાઓ રહેશે કાર્યરત

ઉત્તરાખંડ: કેદારનાથમાં (Kedarnath) સેવા આપતી છ હેલીકોપ્ટર કંપનીઓ (Helicopter companies) ચોમાસાને ધ્યાનમાં રાખીને પરત બોલાવવામાં આવી છે. આ કાર્ય આજે 22 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં યાત્રાના પ્રથમ તબક્કાના અંત પહેલા જ છ હેલીકોપ્ટર કંપનીઓ પોતાનો સામાન પેક કરીને દિલ્હી પરત ફરી હતી. કંપનીઓના વહેલા પરત આવવાનું એક કારણ યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો પણ છે.

  • કેદારનાથથી પરત આવી 6 હેલીકોપ્ટર કંપનીઓ
  • યાત્રાના પ્રથમ તબક્કાના અંત પહેલા જ પરત આવ્યા 6 કંપનીઓના હેલિકોપ્ટર
  • યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો પણ કંપનીઓના વહેલા પરત આવવાનું એક કારણ
  • કેદારમાં હવે માત્ર બે હેલીકોપ્ટર કંપનીઓ જ આપશે સેવા
  • દરરોજ સરેરાશ 1,500 યાત્રાળુઓએ હેલી સેવા દ્વારા કર્યા દર્શન

અસલમાં ચોમાસાની સિઝન કેદાર ઘાટીની હેલીકોપ્ટર સેવાઓની દૃષ્ટિએ ખૂબ જ જોખમી બની જાય છે. જેથી અહીં કાર્યરત ઘણી કંપનીઓ ચોમાસા પહેલા તેમની સેવા બંધ કરી દે છે. ત્યારે આ વર્ષે પણ છ કંપનીઓ પોતાની સેવા બંધ કરી દિલ્હી પરત ફરી હતી. હવે કેદારનાથમાં માત્ર બે હેલીકોપ્ટર કંપનીઓ જ ચોમાસા દરમિયાન ધામમાં સેવાઓ આપશે. આ વર્ષે અત્યાર સુધીમાં 56,110 શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા બાબા કેદારના દર્શન કરવા પહોંચ્યા હતા. સામાન્ય રીતે ચારધામ યાત્રા બે તબક્કામાં કરવામાં આવે છે.

પ્રથમ તબક્કો યાત્રાની શરૂઆતથી જૂનના અંત સુધી ચાલે છે અને બીજો તબક્કો સપ્ટેમ્બરના પહેલા કે બીજા સપ્તાહથી ચોમાસાના અંત પછી દરવાજા બંધ થવા સુધી ચાલે છે. જૂનના અંતમાં હજુ એક સપ્તાહથી વધુનો સમય બાકી છે, પરંતુ આર્યન, પવન હંસ, ક્રેસ્ટલ, થુંબી, ગ્લોબલ વેક્ટ્રા અને એરો હેલી કંપનીએ શુક્રવારે જ પોતાની સેવા બંધ કરી દીધી હતી. ત્યારે આ કંપનીઓ અગાઉ બપોરે 12 વાગ્યા સુધી સેવાઓ આપતી હતી.

આ મામલે હેલી સેવાના નોડલ અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે ટ્રાન્સ ભારત અને હિમાલયન હેલી વરસાદની સિઝનમાં પણ સેવાઓ આપવાનું ચાલુ રાખશે. નોડલ ઓફિસરે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં કેદારનાથ ધામ માટે 10,027 ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી હતી. તેમજ હેલીકોપ્ટર સેવા શરૂઆતના દિવસે એટલે કે 10 મેથી શરૂ થઈ હતી અને દરરોજ સરેરાશ 1,500 યાત્રાળુઓ હેલી સેવા દ્વારા ધામ પહોંચ્યા હતા.

Most Popular

To Top