પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તેમજ બિહારમાં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું છે. છેલ્લાં 24 કલાકમાં હિમાચલમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બિહારમાં 5 લોકોના મોત થયા છે.
દરમિયાન રવિવારે તા. 29 જૂને બિહારના ગયામાં લગુરાહી વોટરફોલમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે 6 છોકરીઓ ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ તત્પરતા દાખવીને બધી છોકરીઓને બચાવી લીધી હતી. આ ઘટનાનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે.
અહીંના લગુરાહી વોટરફોલમાં પિક્નીક માણવા દર વર્ષે ઘણા લોકો આવે છે. દરમિયાન રવિવારે વાતાવરણ સામાન્ય હોવાથી ઘણા લોકો વોટરફોલ પર ફરવા આવ્યા હતા. એવામાં અચાનકથી પાણીના પ્રવાહમાં વધારો થતા 6 છોકરીઓ ફસાઈ ગઈ હતી.
જોકે, સ્થાનિક લોકોએ તરત જ ચપળતા દાખવી યુવતીઓને ધોધના એક કિનારા પર ખસેડી લીધી હતી. જેના લીધે તમામ યુવતીઓનો જીવ બચી ગયો હતો. જોકે, થોડા સમય માટે સ્થળ પર હાજર પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. શ્વાસ થંભાવી દેતી આ ઘટનાનો કોઈ પ્રવાસીએ વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
હિમાચલ પ્રદેશમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું
ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉત્તરાખંડના ચારધામ માર્ગ પર હવામાનની અસર વધુ જોવા મળી રહી છે. દેહરાદૂનથી બદ્રીનાથ અને કેદારનાથ સુધી ઘણી જગ્યાએ સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે.
બદ્રીનાથથી વહેતી અલકનંદા અને કેદારનાથથી વહેતી મંદાકિનીનો પ્રવાહ એટલે જોરદાર છે કે રુદ્રપ્રયાગમાં બંને નદીઓના સંગમ પર એવું લાગી રહ્યું છે કે 12 ફૂટ ઊંચી શિવ પ્રતિમાની જટાને સ્પર્શ કરી રહી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા એક દિવસ માટે રોકી દેવામાં આવી હતી.
બીજી તરફ, ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને હવામાન સંપૂર્ણપણે સાફ ન થાય ત્યાં સુધી સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં સોમવારે રજાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.