Vadodara

અલકાપુરી પ્રોવિઝન સ્ટોરમાં 6.89 લાખની ચોરી

વડોદરા : વડોદરા શહેરના અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસે શિતલ એપાર્ટમેન્ટમાં આવેલા મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોરને તસ્કરોએ મોડી રાત્રે નિશાન બનાવી દુકાનમાંથી રૂ.6.89 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના દુકાનના CCTVમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર તસ્કરની શોધખોળ હાથ ધરી છે. શહેરના અટલાદરા વિસ્તારમાં વચનામૃત રેસિડેન્સીમાં રહેતા વિનોદભાઇ નટવરભાઈ ગાંધી ચાર ભાઇઓની સંયુક્ત માલિકીની અલકાપુરીના શિતલ એપાર્ટેમેન્ટમાં બે દુકાન રાખી મહાલક્ષ્મી સુપર પ્રોવિઝન સ્ટોરમાં વેપાર કરે છે. સોમવારે રાત્રે 9 વાગ્યે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન બુધવારે સવારે 7વાગ્યે દુકાન પાસે આવેલા કોમ્પ્લેક્ષના સિક્યુરીટી ગાર્ડનો દુકાનના શટર તૂટેલું હોવાનું જાણતા તેણે વિનોદભાઈને ફોન કરી જાણ કરી હતી. 

ફોન આવતા જ તેમનો ભત્રીજો પિન્ટુ નાના ભાઇને લઇ દુકાને પહોંચ્યો હતો. જ્યાં તેને દુકાનનું શટર તૂટેલું જણાયું હતું.  ત્યારે વિનોદભાઈ પણ તુરંત જ દુકાન ઉપર પહોંચ્યા હતા. ત્યારે બનાવની જાણ પોલીસને થતા સ્થળ પર આવી પહોંચેલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઇ અજાણ્યો શખ્સે દુકાનના શટરનો નકૂચો ગેસ કટરથી કાપીને દુકાનમાં પ્રવેશ્યો હતો અને દુકાનના ડ્રોઅરમાં પડેલા વકરાના રૉકડ રૂ. 6.89 લાખની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જોકે, ચોરી કરવા માટે ઘૂસેલો તસ્કર દુકાન સ્થિત CCTVમાં કેદ થઇ ગયો હતો. બનાવ અંગે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી વેહુંકતપાસ હાથ ધરી તસ્કરને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

200 મીટર દૂર અલકાપુરી પોલીસ ચોકી હોવા છતાં ચોરી થતા પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા

શહેર પોલીસ તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. તેવા ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ દાવા પોકળ સાબિત થઇ તેવી ઘટના સામે આવી છે. ચોરી થઇ તેના થી 200 મીટર દૂર અલકાપુરી પોલીસ ચોકી હોવા છતાં ચોરી થતા પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે. ત્યારે શહેરમાં રોજબરોજ વધી રહેલા ચોરીના બનાવોએ પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી દીધા છે.

Most Popular

To Top