વાપી : વાપી નજીકના ડુંગરા ગામમાં આવેલી ચાલીમાં રહેતા દિપેશ દિપકભાઈ કદમ (ઉં.31)એ પાંચેક વર્ષ પહેલા પ્લોટ લેતી વખતે લોનની જરૂરિયાત ઉભી થતા તેણે વાપીમાં રહેતા વિનોદ શૈલેન્દ્ર શુક્લા સાથે સંપર્ક થયો હતો અને ત્યારથી તેઓ તેને ઓળખતા હતાં. દિપેશને વાપી નજીકના ચણોદ ગામમાં ફ્લેટ ખરીદવો હોય જેથી ફરીથી લોનની જરૂરિયાત ઉભી થતાં તેણે વિનોદ શુક્લાનો સંપર્ક કર્યો હતો. જે બાદ વિનોદે તેને વાપી સહારા માર્કેટમાં આવેલી ઓફિસે બોલાવ્યો હતો અને ત્યાં તેને લોન માટેના જરૂરી ડોક્યુમેન્ટ મંગાવી પર્સનલ લોન કરાવી આપીશનું જણાવ્યું હતું. જે બાદ દિપેશે સહમતિ આપ્યા બાદ મોબાઈલ ફોન દ્વારા લોન માટેની જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરી હતી. દિપેશ ઓછું ભણેલો હોવાથી તેણે બેંકના હપ્તાઓ બાબતે ખ્યાલ નહીં આવે જેથી મોબાઈલ ફોન પણ વિનોદને આપી રાખ્યો હતો અને બેંકીંગના આઈડી પાસવર્ડ પણ આપી દીધા હતાં.
વર્ષ 2024 જાન્યુઆરીમાં તેઓની હોમલોન મંજૂર થતા બેંકના બે ચેક આવેલા હતા. જેમાં એક ચેક દિપેશના નામે તથા બીજો ચેક સન ડેવલોપર્સના નામે આવ્યો હતો. જે ચેક લઈને વિનોદ પાસે ગયેલો અને તેણે કહ્યું કે, ડેવલોપર્સનો ચેક તેને આપી દેજે અને તારો ચેક છે તે હું તારા એકાઉન્ટમાં નાંખી દઈશ.
જે બાદ દિપેશને રૂપિયાની જરૂરિયાત હોય બેંકમાં ગયા તો ખાતામાં પૈસા ન હતા. જેથી તેણે વિનોદ શુક્લાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે તારા રૂપિયા મારાથી ખર્ચ થઈ ગયા છે તને આપી દઈશનું કહ્યું હતું. જે બાદ દિપેશે બેંક સ્ટેટમેન્ટ કઢાવતા તેને જાણવા મળ્યું કે, તેઓની જુદી-જુદી ફાઈનાન્સ દ્વારા પાસ થયેલી કુલ રકમ 6,53,335 વિનોદ શુક્લાએ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતાં. આ બનાવ અંગે દિપેશ કદમે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનાર વિનોદ શુક્લા સામે ફરિયાદ નોંધાવી હતી.