આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારોને બાંધી આપેલી ખર્ચની મર્યાદા પ્રાથમિક દ્રષ્ટિએ જ સાવ અવાસ્તવિક જણાઈ આવે છે. સુરતની વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 30 વોર્ડની ચૂંટણીમાં સરેરાશ એક લાખ મતદારોની સરખામણીએ દરેક ઉમેદવારે 6 લાખ અને આખી પેનલે કુલ 24 લાખની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. આ જોતા પ્રત્યેક એક લાખ મતદારે એક ઉમેદવાર વધુમાં વધુ રૂ.6 અને આખી પેનલ રૂ.16નો ખર્ચ કરી શકે. હવે હાલ જે રીતે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા જે પ્રકારનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે એ જોતા ચૂંટણી પંચની ખર્ચ મર્યાદાથી અનેક ગણા વધુ રૂપિયા ઉમેદવારો પહેલા જ દિવસના પ્રચારમાં ખર્ચી ચૂક્યા છે.
ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયો પર થતા ખર્ચા પર કોઇની નજર નથી
હાલમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં દરેક વોર્ડમાં દરેક રાજકીય પાર્ટીઓએ મધ્યસ્થ કાર્યાલયો તેમજ પેટા કાર્યાલયો શરૂ કરી દીધા છે. ચૂંટણી પંચના નિયમાનુસાર જો એક દિવસ વોચ ગોઠવવામાં આવે તો ઉમેદવારો દ્વારા જે બેહિસાબ ખર્ચા કરવામાં આવે છે તેનો તાગ મેળવી શકાય પરંતુ, આવી કોઇ સિસ્ટમ નથી. ઉમેદવારોના ચૂંટણી એજન્ટો જે ખર્ચ દર્શાવે તેને માની લેવામાં આવે છે. બાકી મધ્યસ્થ કાર્યાલયો પર થઇ રહેલા ખર્ચા એટલા લખલૂંટ છે કે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા તેની સામે સાવ વામણી લાગે છે.
સ્ટાર પ્રચારકોની રેલી, સભા, રોડ શૉના ખર્ચા મોટા રાજકીય પક્ષો અલગથી કરતા હોય છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખર્ચની મર્યાદા ઉપરાંત ભાજપ કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષો પોતાની રીતે અલગ ખર્ચા કરે છે. સ્ટાર પ્રચારકો દ્વારા કરવામાં આવેલી રેલીઓ, સભાઓ, રોડ શૉ વગેરેના ખર્ચાઓ રાજકીય પાર્ટીઓ પોતાનામાં ગણાવીને ઉમેદવારોને તોતિંગ ખર્ચામાંથી બચાવી લે છે. મોટા રાજકીય પક્ષોમાં ઉમેદવારો તેમજ પેનલના ખર્ચના હિસાબોનું રીતસર મેનેજમેન્ટ થાય છે અને ચાર્ટર્ડ અકાઉન્ટન્સ સુધીના લોકોની સેવા લઇને હિસાબો અપટુ ડેટ રાખવામાં આવે છે.
સૌથી મોટા વોર્ડ નં.2 (અમરોલી-મોટા વરાછા)માં મતદારો દીઠ માત્ર 3.40 રૂપિયા અને સૌથી નાના કરંજ-મગોબ વોર્ડમાં મતદાર દીઠ ઉમેદવાર 7 રૂપિયા ખર્ચી શકશે
સુરતના વોર્ડ વાઇઝ મતદારોની વાત કરીએ તો સૌથી વધુ મતદારો સુરતના વોર્ડ નં. 2 અમરોલી, મોટા વરાછા, કઠોર વિસ્તારમાં નોંધાયા છે. આ વોર્ડમાં કુલ મતદારોની સંખ્યા 1,73,526ની છે. જે સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડ પૈકી વસતિની દ્રષ્ટિએ સૌથી મોટો વોર્ડ ગણાય છે. આ વોર્ડની વસ્તી પ્રમાણે ઉમેદવાર પ્રતિ મતદાર માત્ર 3.40 રૂપિયા જ ખર્ચી શકશે. જ્યારે સુરતમાં મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી નાનો 84650 મતદારો ધરાવતાં કરંજ-મગોબ વોર્ડમાં મતદારો દીઠ માત્ર 7 રૂપિયા જ ખર્ચી શકાશે.