નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024નું (Lok Sabha Election 2024) 5માં તબક્કાનું મતદાન (Voting) સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આજે 20 મે ના રોજ 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે આજે સવારે મુંબઇમાં અક્ષય કુમાર, જ્હાનવી કપૂર, અનીલ અંબાણી સહિતની ઘણી હસ્તીઓએ મતદાન કર્યું હતું.
પાંચમા તબક્કામાં યુપીની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, બિહાર અને ઓડિશાની પાંચ-પાંચ અને ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. તેમજ ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પાંચમા તબક્કાની ચૂંટણીમાં 695 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 613 પુરુષ અને 82 મહિલા ઉમેદવારો છે.
પાંચમા તબક્કામાં ઘણાં મોટા નેતાઓ જેમ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી, રોહિણી આચાર્ય, ઓમર અબ્દુલ્લા અને પીયૂષ ગોયલ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાનમાં છે. તેમજ પાંચમા તબક્કાની ચૂંટણિ પૂર્ણ થતાની સાથે જ કુલ 428 સીટો પર ચૂંટણી પૂર્ણ થશે.
બપોરે 1 વાગ્યા સુધી દેશમાં 36.73 ટકા મતદાન
- ઉત્તર પ્રદેશ 39.55
- ઓડિશા 35.31
- જમ્મુ કાશ્મીર 34.79
- ઝારખંડ 41.89
- પશ્ચિમ બંગાળ 48.41
- બિહાર 34.62
- મહારાષ્ટ્ર 27.78
- લદ્દાખ 52.02
સવારે 11 વાગ્યા સુધીમાં પ.બંગાળમાં સૌથી વધુ મતદાન
- બિહાર – 21.11%
- જમ્મુ અને કાશ્મીર – 21.37%
- ઝારખંડ – 26.18%
- લદ્દાખ – 27.87%
- મહારાષ્ટ્ર – 15.93%
- ઓડિશા – 21.07%
- ઉત્તર પ્રદેશ – 27.76%
- પશ્ચિમ બંગાળ – 32.70%
સવારે 9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું?
પાંચમા તબક્કાની ચૂંટણીમાં સવારે 9 વાગ્યા સુધી 10.28% મતદાન નોંધાયું હતું. જેમાં,
- બિહાર- 8.86%
- જમ્મુ અને કાશ્મીર – 7.63%
- ઝારખંડ- 11.68%
- લદ્દાખ- 10.51%
- મહારાષ્ટ્ર- 6.33%
- ઓડિશા- 6.87%
- પશ્ચિમ બંગાળ- 15.35%
- ઉત્તર પ્રદેશ- 15.35%
મુંબઇમાં આ હસ્તીઓએ કર્યું મતદાન
પાંચમાં ચરણના મતદાનમાં મુંબમાં અક્ષય કુમાર, અનીલ અંબાણી, જ્હાનવી કપૂર, પરેશ રાવલ, રાજકુમાર રાવ, ફરહાન અક્તર, સાનિયા મલ્હોત્રા સહિતના ઘણા દિગ્ગજોએ વહેલી સવારે જ મતદાન કર્યું હતું. તેમજ જનતાને મતદાન કરવાની અપીલ પણ કરી હતી.
વડાપ્રધાને કરી મતદાનની અપીલ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન કરવાની અપીલ કરતા તેમણે જનતાને કહ્યું હતું કે, ‘લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થશે. હું આ તબક્કાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ પોતાનો મત આપે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મહિલાઓ અને યુવા મતદારોને મારી ખાસ અપીલ છે.