નવી દિલ્હી: 59મી ફેમિના મિસ ઈન્ડિયા (59th Femina Miss India) સ્પર્ધાની વિજેતા રાજસ્થાનની નંદિની ગુપ્તા (Nandini Gupta) બની છે. આ સાથે શ્રેયા પૂંજા ફર્સ્ટ અને સ્ટ્રાહલ થૌનાઓજમ લુવાંગ સેકન્ડ રનર અપ બની હતી. જણાવી દઈએ કે નંદિની માત્ર 19 વર્ષની છે. મિસ ઈન્ડિયાનો (Miss India) તાજ જીત્યા બાદ નંદિની હવે મિસ વર્લ્ડ બ્યુટી (Miss World Beauty) સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ખાસ અવસર પર ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા સિની શેટ્ટીએ નંદિનીને તાજ પહેરાવ્યો હતો.
આ અવસરે બ્લેક ગાઉનમાં નંદિનીએ પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી બધાને આકર્ષિત કરી લીધા હતા. રાજસ્થાનની નંદિની ગુપ્તાને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હીની શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર અપ બની હતી અને મણિપુરની થૌનાઓજમ સ્ટ્રેલા લુવાંગ સેકન્ડ રનર અપ હતી. ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં સમગ્ર દેશભરની છોકરીઓએ ભાગ લીધો હતો, પરંતુ નંદિનીએ સૌને માત આપીને ‘સૌંદર્યનો તાજ’ જીત્યો હતો. માત્ર 19 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બનીને નંદિની ઘણી યુવતીઓ માટે પ્રેરણા બની ગઈ છે. મિસ ઈન્ડિયા બન્યા બાદ નંદિની હવે મિસ વર્લ્ડની આગામી સિઝનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
કોણ છે નંદિની ગુપ્તા?
નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટાની રહેવાસી છે, તેણે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો કર્યો છે. જણાવી દઈએ કે તે ‘ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાન’ પણ રહી ચૂકી છે. નાની ઉંમરેનું તેનું સપનું ઘણા પ્રયત્નો પછી સાકાર થયું છે. મણિપુરમાં ‘ફેમિના મિસ ઈન્ડિયા’નો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન મનીષ પોલ, અનન્યા પાંડે, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન, નેહા ધૂપિયા અને અન્ય જેવા બોલિવૂડ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. ભૂતપૂર્વ વિજેતા, સિની શેટ્ટી, રૂબલ શેખાવત, શિનાતા ચૌહાણ, મનસા વારાણસી, મણિકા શ્યોકંદ, માન્યા સિંહ, સુમન રાવ અને શિવાની જાધવે પણ પર્ફોમ કર્યું હતું.