સુરતમાં કોરોનાની જે બીજી લહેર આવી છે તેમાં કોરોના વાયરસ ખુબ જ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. અગાઉ પરિવારમાં એક કે બેને જ કોરોનાનું સંક્રમણ થતું હતું પરંતુ હવે આખો પરિવાર અને સાથે સાથે નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. કોરોનાના જે નવા કેસ નોંધાઈ રહ્યાં છે તેમાં કોરોનાનો જે નવો સ્ટ્રેઈન છે તે ખુબ જ ચેપી સાબિત થઈ રહ્યો છે. જેને કારણે એક સાથે આખા પરિવારો સંક્રમિત થઈ રહ્યાં છે.
આ નવો વાયરસ અગાઉના સ્ટ્રેઈન કરતાં વધુ ગંભીર છે અને અલગ અલગ પ્રકારના મલ્ટિપ્લિકેશન થતાં હોવાથી ઝડપથી ફેફસામાં પહોંચી જઈને ઈન્ફેકશન કરી રહ્યો છે. જેને કારણે ન્યુમોનિયા થતાં દર્દીની હાલત ગંભીર બની રહી છે. આ નવા સ્ટ્રેઈન વાયરસને કારણે થતાં કોરોનામાં કફ થતો નથી, તાવ પણ આવતો નથી, રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ કોરોના નેગેટિવ આવે અને પરંતુ તે વ્યક્તિ પોઝિટિવ હોઈ શકે છે.
નવા સ્ટ્રેઈન વાયરસમાં જોઈન્ટસમાં દુ:ખાવો, અશક્તિ થવી, ખાવાની ઈચ્છા ન થવી. આ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે. તે ઝડપથી ન્યુમોનિયા વધારે છે અને વ્યક્તિની શારીરિક હાલત ગંભીર બને છે. અગાઉના કોરોના વાયરસને ફેફસામાં પહોંચતાં પાંચથી સાત દિવસ થતાં હતાં પરંતુ હવે માત્ર 2 થી 3 જ દિવસમાં ફેફસામાં પહોંચી જાય છે.
જે રીતે કોરોનાનો વાયરસ પ્રસરી રહ્યો છે તે જોતાં લોકોએ વધુમાં વધુ સાવચેતી રાખવી પડશે તેમ મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. શહેરમાં કોરોનાના નવા સ્વરૂપના કેસો નોંધાઈ રહ્યા છે. નવા સ્ટ્રેઈન વાયરસમાં ચેપ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે જેથી લોકોને વધુમાં વધુ સાવચેતી રાખવા માટે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને અપીલ કરી છે.
સોસાયટીના ક્લબ બંધ રાખવા, શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ કરવા અપીલ
નવો સ્ટ્રેઈન વધારે ચેપી હોય, મનપા કમિશનરે શહેરીજનોને વધુ તકેદારી રાખવા અપીલ કરી હતી. સાથેસાથે સોસાયટીના ક્લબ હાઉસ બંધ રાખવા અને શક્ય હોય તો લોકો ઘરેથી જ કામ કરે તેમ જણાવ્યું હતું. બાળકો અને વડીલોને ઘરે જ રાખવા અને તેઓને વ્યવસ્થિત માસ્ક પહેરાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે અપીલ કરી હતી.
રિવર્સ ક્વોરન્ટાઈનની નીતિ અપનાવવા અને પોલીસ-મનપા તંત્રને કામગીરીમાં સહકાર આપવા અપીલ
આપણી થોડા સમયની ખુશી માટે લોકોના જીવનું જોખમ ન થાય તેની કાળજી રાખવા માટે મનપા કમિશનરે જણાવ્યું છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, રિવર્સ ક્વોરન્ટાઈનની નીતિ અપનાવવામાં આવે તે હાલની સ્થિતિમાં જરૂરી છે. તેમજ હાલમાં સંક્રમણને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા અને પોલીસ માઈક્રો કન્ટેઈનમેન્ટની કામગીરી કરી રહી છે.
અને લોકો તેમાં વધુ સહયોગ આપે તે જરૂરી છે. આ ઉપરાંત જે લોકો પોઝિટિવ આવી રહ્યાં છે. તેનું સંક્રમણ વધે નહીં તે માટે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મનપાને મદદરૂપ થઈને સંક્રમણ અટકાવી શકાય છે. હાલમાં જે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. તેમાં વધુમાં વધુ લોકો વેક્સિનેશનનો લાભ લે તે માટે અપીલ કરાઈ છે.