GANDHINAGAR : આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ વિભાગનું વર્ષ ૨૦૨૧-૨૨નું કુલ ૧૩૪૯૨.૭૫ કરોડનું અંદાજપત્ર ચર્ચાના અંતે મંજૂર કરાયુ હતું. આ ચર્ચા પરનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ( NITIN PATEL) કહ્યું હતું કે રાજ્યની આશરે ૪૩% થી વધુ વસ્તી આજે શહેરોમાં વસે છે ત્યારે શહેરીજનોને વિવિધ પ્રકારની માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગામી વર્ષ ૨૦૨૩-૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે આ યોજના હેઠળ શહેરોમાં આંતર માળખાકીય સુવિધા સાથે રોડ, રસ્તા, પાણી, વીજળી, ભૂગર્ભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન, જનભાગીદારી યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં આ યોજના હેઠળ આશરે રૂ.૩૯,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ શહેરી વિસ્તારો માટે ફાળવવામાં આવી છે. ચાલુ વર્ષે પણ આ યોજના હેઠળ રૂ.૪૫૬૩ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે.
શહેરી વિસ્તારોમાં સસ્તી, ઝડપી અને અવરજવરની સુવિધા શહેરીજનો માટે પૂરી પાડવા કટિબદ્ધ આ સરકારે અમદાવાદ તથા સુરત મેટ્રો રેલની કામગીરી માટે રૂ.૫૬૮ કરોડની ફાળવણી કરી છે.
અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૧ ( AHEMDABAD METRO RAIL ) ની કુલ ૪૦.૦૩ કિ.મી. લંબાઇ પૈકી ૨૬.૭૮ કિ.મી.નું સિવિલ વર્ક્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે તેમજ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ( AHEMDABAD METRO RAIL PROJECT) બીજા તબકકા એલિવેટેડ કોરિડોરની કુલ લંબાઈ -૨૮.૨૬ કિ.મી.છે. આ તબક્કામાં કુલ સ્ટેશન – ૨૨નો સમાવેશ થાય છે જે અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ, તબક્કા -1માંની કુલ લંબાઈ ૪૦.૩૫ કિ.મીમાં એલિવેટેડ કોરિડોરની કુલ લંબાઈ – ૩૩.૮૮ કિ.મી. અને ભૂગર્ભ કોરિડોરની કુલ લંબાઈ – ૬.૪૭ કિ.મી. છે આમ કુલ લંબાઈ ૪૦.૩૫ આ કોરીડોરમાં કુલ સ્ટેશન – ૩૮ સ્ટેશન આવેલા છે જેમાં એલિવેટેડ સ્ટેશનોની સંખ્યા – ૩૨ અને ભૂગર્ભ સ્ટેશનોની સંખ્યા – ૬ છે. આ પ્રોજેક્ટ અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે શહેરમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની નિતિને સુસંગત રાજય સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજનાને સાંકળી રૂ. ૧.૦૦ લાખની કૌટુંબિક વાર્ષિક આવકની મર્યાદામાં સુધારો કરી રૂ. ૩.૦૦ લાખ કરવામાં આવી છે. એટલું જ નહિ નવીન કેટેગરી તરીકે ઇડબલ્યુએસ-૧ કેટેગરી ૩૦ ચો.મી. સુધીના આવાસો માટે તથા ઇ.ડબલ્યુ.એસ.-ર કેટેગરી ૩૧ થી ૪૦ ચો.મી. સુધીના આવાસોનો લાભ આપવા માટે ઠરાવ કરી અત્યાર સુધીમાં અંદાજે ૭ લાખ જેટલા આવાસો મંજૂર કરાવવામાં આવ્યા છે. શહેરી આવાસ માટેની આ યોજના માટે રૂ. ૯૩૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોને સ્વચ્છ બનાવવા માટે કુલ રૂ.૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ શહેરોમાં શૌચાલયો, કોમ્યુનિટી ટોઇલેટનું બાંધકામ કરવામાં આવે છે. ઝીરો વેસ્ટ ડસ્ટ ફ્રી સીટીઝનો કોન્સેપ્ટ સિધ્ધ કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.