National

જો જો, કોરોના ગામોમાં ન ઘૂસે: મોદીની ચેતવણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એ સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી કે કોઇ પણ રીતે કોરોના મહામારીને ગામોમાં ફેલાતી અટકાવવાની છે. તેમણે નોંધ્યું કે દેશ સમક્ષ હાલ પડકાર ગયા વર્ષ કરતા મોટો છે.

કોરોનાના વ્યવસ્થાપનમાં પંચાયતોની ભૂમિકાની ખાસ કરીને જાગૃતિ લાવવામાં ભૂમિકાની પ્રશંસા કરતા મોદીએ કહ્યું કે સ્થાનિક નેતાગીરેનેતાગીરી વખતોવખત જારી ગાઇડલાઇનના સંપૂર્ણ અમલીકરણ તરફ કામ કરે. મને આત્મવિશ્વાસ છે કે કોરોનાવાયરસ સામેની આ લડાઇમાં જો કોઇ પહેલું વિજયી બનશે તો એ ભારતનાં ગામડાં હશે. ગામોના લોકો દેશ અને દુનિયાને માર્ગ બતાવશે.

નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ પર વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ શરૂ કર્યું હતું એમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ગયા વર્ષે ગ્રામીણ વિસ્તારોને મહામારીથી અસરગ્રસ્ત થતા અટકાવાયા હતા. ગામોમાં દરેકના રસીકરણ પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે જુદી જુદી સંપત્તિઓના 4.09 લાખ માલિકોને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થયું હતું, જેના પગલે સમગ્ર દેશમાં અમલીકરણ માટે સ્વામિત્વ યોજના શરૂ પણ થઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત આ કાર્યક્રમમાં સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પંચાયતરાજ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે, પંચાયતીરાજ દિવસ ગ્રામીણ ભારતના નવનિર્માણના સંકલ્પોની કટિબદ્ધતા પ્રત્યે આપણી જાતને પુનઃસમર્પિત કરવાનો પ્રસંગ છે. તેમણે કહ્યું હતું કે, આ દિવસ આપણી ગ્રામપંચાયતોના યોગદાન અને તેમના અસાધારણ કાર્યને બિરદાવવાનો પણ દિવસ છે.

Most Popular

To Top