Gujarat

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 56 ટકા મતદાન : પીએમ મોદીના માતૃશ્રી 99 વર્ષિય હીરાબાએ મતદાન કર્યુ

ગાંધીનગર મનપાની 11 વોર્ડમાં 44 બેઠકો પર રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ સાથે 161 ઉમેદવારોનું ભાવી હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. આગામી તા.5મી ઓકટોબરના રોજ મત ગણતરી હાથ ધરાશે. નવા નિમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી મહત્વની મનાઇ છે.

આજે સાંજે છ વાગ્યા સુધીમાં ગાંધીનગર મનપા માટે વોર્ડ નંબર 7માં કોલવડા – વાવોલ માટે 67 ટકા જેટલુ મતદાન થયું હતું. જ્યારે પંચદેવ મંદિર વોર્ડ નંબર 5માં 42 ટકા જેટલું મતદાન થયું હતું. ભાજપ માટે ગાંધીનગર મનપાની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ સમાન છે. કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે જ્યારે આપને ગાંધીનગર મનપાની ચૂંટણી દ્વારા હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી જોઈએ છે.

2011 અને 2016માં ભાજપને સત્તાથી સ્હેજ છેટું રહી ગયું હતું. બંને વખતે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા કોંગીના કાઉન્સિલરોના કારણે ભાજપને સત્તા મળી છે. મતદાન દરમ્યાન વિવિધ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રીતસરની માથાકૂટ થવા પામી હતી. ખાસ કરીને ટોપી પહેરવા મામલે પણ માથાકૂટ થવા પામી હતી. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 44 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 40, 14 બસપાના, 2 એસીપીના અને 6 અન્ય પક્ષોના અને 11 અપક્ષો સહિત કુલ 161 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

આજે મતદાન દરમિયાન ગાંધીનગરમાં સેકટર 6 એટલે કે મનપાના વોર્ડ નંબર 10માં આપના બુથ પાસે એક કાળી કરામાં આવેલા કેટલાંક શખ્સોએ મારામારી કરી હતી. એટલું જ નહીં આપના કાર્યકરો પર હુમલો કર્યો હતો. બપોર સુધીમાં ગાંધીનર મનપા માટે 26 ટકા જેટલુ મતદાન થયું હતું. જો કે તેની વચ્ચે સેકટર છમાં આપના બુથ પાસે એક કાળી કારમાં આવેલા કેટલાંક શખસોએ મારામારી કરી હતી. એટલું જ નહીં અહીં ખુરશીઓની તોડફોડ પણ કરી હતી. આપના બુથ પાસે મૂકવામાં આવેલી ખુરશીઓ પમ તોડીફોડીને ફેંકી દેવાઈ હતી.

ગાંધીનગર મનરપાની ચૂંટણી મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન આજે સેટકર -22માં સરકારી સ્કૂલના મેદાનમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં. બંને પક્ષના કાર્યકરો પોતાની પાર્ટીનો પ્રચાર કરતાં હોવાના આક્ષેપના મામલે ઘર્ષણ થયું હતું. જેના પગલે સ્થાનિક આગેવાનોએ તેઓને વચ્ચે પડીને છોડાવ્યાં હતાં.

ગાંધીનગરમાં સેકટર -15માં વોર્ડ નંબર 6માં આપના કાર્યકરો ટોપી પહેરીને આવતા તેઓની સામે આચાર સંહિતાભંગની ફરિયાદ થવા પામી હતી. જેના પગલે પોલીસ દ્વારા 50 જેટલા આપના કાર્યકરોની અટકાયત કરી લેવાઈ હતી. મતદાન દરમ્યાન વોર્ડ નંબર 22માં અને વોર્ડ નં 11માં ભાજપ દ્વારા બોગસ વોટિંગ કરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ થયો હતો. જેના પગલે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ ગયા હતાં. આપ દ્વારા આરોપ લગાવવામા આવ્યો હતો કે સત્તાધારી ભાજપ હાર ભાળી ચૂકી હોવાથી આ બધુ કરી રહી છે.

શક્તિસિંહે બૂલેટ પર આવીને મતદાન કર્યુ
પીએમ નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાએ રવિવારે વોર્ડ નંબર -10માં મતદાન કર્યુ હતું. ખાસ કરીને પીએમ મોદીના નાના ભાઈ પંકજભાઈ મોદી તથા તેમના પરિવારના સભ્યો હીરાબાને મતદાન કરવા માટે લઈ ગયા હતાં. 99 વર્ષીય હીરાબાએ રવિવારે સવારે રાયસણ ખાતે મતદાન કર્યુ હતું. પંકજ મોદીએ કહ્યું હતું કે બા એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે મતદાન કરવાનું છે, સૌ કોઈએ મતદાન કરવું જોઈએ. કોંગ્રેસના સિનિયર અગ્રણી શકિત્તસિંહ ગોહિલ આજે બૂલેટ પર બેસીને મતદાન કરવા આવ્યા હતાં.

સેકટર 22માં 100 મતદારોના નામ ગૂમ થયા
ગાંધીનગર મનપાની ચૂંટણી માટે આજે મતદાન દરમ્યાન શ્રમજીવી વસાહતમાં રહેતા 100 જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી અચાનક ગૂમ થી જવાની ફરિયાદ પેદા થવા પામી હતી. શાકબાજી તેમજ ફ્રૂટ વેચતાં આ લોકોના નામે મતદાન યાદીમાં ગૂમ થઈ ગયા હતા. જેના પગલે તેઓની ફરિયાદ હતી કે અમારો મતાધિકાર છીનવી લેવાયો હતો.

Most Popular

To Top