સુરત: શહેર (surat)માં કોરોના(corona)નો પ્રથમ કેસ 17 મી માર્ચે 2020 ના દિવસે નોંધાયો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ (positive) દર્દીઓની સંખ્યા ઓછી હતી. પરંતુ ધીરે ધીરે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું હતું.
શહેરમાં ગત વર્ષે જુન અને જુલાઈ માસમાં કોરોનાનો પીક સમય આવ્યો હતો. અને સંક્રમણમાં ઝડપથી વધારો થયો હતો. પીક સમયમાં પ્રતિદિન 200 થી 250 જેટલા પોઝિટિવ દર્દી નોંધાવા લાગ્યા હતા. પરંતુ ધીરે ધીરે સંક્રમણ કાબુમાં આવ્યુ હતું. વર્ષ 2021 ની શરૂઆતમાં તો કોરોનાના કેસો ખુબજ નહિવત પ્રમાણમાં નોંધાવા લાગ્યા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ રહી છે. બીજી લહેરમાં હવે પ્રતિદિન 2000 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાવા લાગ્યા છે. જેના કારણે શહેરમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસના 56.60 ટકા કેસ તો માત્ર છેલ્લા 2 મહિનામાં જ નોંધાયા છે.
શહેરમાં છેલ્લા 13 મહિનાથી કોરોનાનો કહેર ચાલુ છે. પરંતુ કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસમાં ખુબ જ ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરમાં અત્યારસુધીમાં એટલે કે, 2 મે સુધીમાં કુલ 93, 734 પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જેના 56.60 ટકા કેસ એટલે કે, 53,061 પોઝિટિવ દર્દીઓ છેલ્લા બે જ મહિનામાં નોંધાયા છે. કારણ કે, બીજી લહેર એટલે કે નવા સ્ટ્રેન વાયરસનો ફેલાવો ખુબ જ ઝડપથી થાય છે.
અને તે પ્રથમ લહેરના સરખામણીએ વધુ ચેપી હોય, ઘણા લોકો તેના રડારમાં ઝડપથી આવી રહ્યા છે. માર્ચ અને એપ્રિલ માસમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો નોંધાયો છે. અને એપ્રિલ માસમાં તો પ્રતિદિન 1500 થી 2000 કેસ નોંધાતા હતા. જેથી માત્ર 2 જ મહિનામાં કુલ 53,061 કેસ નોઁધાયા હતા.