જે રીતે સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે તે જોતા આગામી 10 જ દિવસમાં સુરત શહેરમાં પણ ઓક્સિજનની કટોકટી સર્જાય તેવું બિહામણું ચિત્ર ઉભું થઈ રહ્યું છે. કોરોનાની પહેલી લહેરમાં સુરતમાં જેટલી ઓક્સિજનની ડિમાન્ડ હતી તેની સામે આ વખતે બીજી લહેરમાં ઓક્સિજનની ડિમાન્ડમાં 6 ગણો વધારો થઈ ગયો છે. જેને કારણે તંત્રની પણ ચિંતાઓ વધી ગઈ છે. જો ઝડપથી ઓક્સિજનના મામલે વ્યવસ્થા કરવામાં નહીં આવે તો દેશના અન્ય રાજ્યો અને શહેરોની જેમ સુરતમાં ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓના મોત થાય તો નવાઈ નહીં રહે.
કોરોનામાં બેડ, રેમડેસિવિર ઈન્જેકશનની સાથે સાથે હવે સુરત શહેર અને જિલ્લાના માથે વધુ એક સંકટ ઘેરું બન્યું છે. સુરત શહેરમાં હવે ઓકિસજનની કટોકટી ઉભી થાય તેવા સંકેતો દેખાઇ રહ્યાં છે. સુરત જિલ્લા પ્રશાસને તો શહેરમાં ઓકિસજન કટોકટી પારખી ગયા સપ્તાહથી એક કમિટી બનાવી દીધી છે. આ કમિટિ ફુલફલેઝડ એક્ટિવ પણ છે. પરંતુ કમિટિ કાગળ ઉપર ઓક્સિજન પ્રોડકશન બાદ ડિમાન્ડ અને સપ્લાયના તાળો મેળવે તે પહેલા જ ઓક્સિજનની સ્થિતિ ભયાનક બની રહી છે.
સુરત શહેરની હોસ્પિટલોમાં નજીકના દિવસોમાં ઓક્સિજનની ખેંચ શરૂ થશે. જેનો પુરાવો કોરોનાની પહેલી લહેર અને બીજી લહેર વખતે ઓક્સિજનના વપરાશ પરથી મળી રહ્યો છે. સુત્રોના કહેવાનુસાર આ વર્ષે કોરોનાની પીક સીઝનમાં માત્ર વીસથી પચ્ચીસ દિવસમાં ઓકિસજનની પ્રતિદિન ડિમાન્ડ 235 ટન થઇ ગઇ છે. ગયા વખતે પીક સીઝનમાં આ ડિમાન્ડ માંડ 40 ટન પ્રતિદિન હતી. ઓકિસજનનો વપરાશ સડસડાટ વધતા હવે જિલ્લા પ્રશાસનની પણ ઉંઘ ઉડી ગઇ છે.
હજી સુરત શહેર અને જિલ્લાની વસ્તીના માંડ એક ટકા જેટલા સત્તાવાર કોરોનાના કેસ નોંધાયા છે. આ જોતાં જો આગામી દિવસોમાં કોરોના પીક પકડશે તો શહેરની હાલત ભયાવહ બનશે. વળી કોરોનાની ગત વર્ષે આવેલી પીક સીઝન કરતા આ વખતે આવેલા સેકન્ડ પીકમાં ઓકિસજનની ડિમાન્ડ રોકટગતિએ ગયા વર્ષની સરખામણી કરતા છ ગણી વધી ગઇ છે. જિલ્લા પ્રસાસનને તો આ સ્થિતિના એંધાણ મળી ગયા છે પરંતુ શું કરવું તેનું આયોજન હજુ સુધી નથી થઈ શક્યું.
ગયા વર્ષે સિવિલ અને સ્મીમેરમાં જે વપરાશ હતો તેના કરતા આ વખતે વધુ વપરાશ થઈ રહ્યો છે
કોરોનાના સેકન્ડ પીકમાં આ વખતે સુનામી જેવી સ્થિતિ આવી છે. ગત એપ્રિલ મહિનાથી શરૂ થયેલી પહેલી લહેર વખતે નવી સિવિલ હોસ્પિ.માં 35 ટન ઓકિસજન વપરાશ હતો તે આ વખતે સીધો દૈનિક 55 થી60 ટન થઇ ગયો છે. તેવી જ રીતે સ્મીમેરમાં ગયા વર્ષે 13 થી14 ટન ઓકિસજન વપરાશ હતો. તેની સામે આ વર્ષે દૈનિક 25 ટન થઇ ગયો છે.
લોકોએ સેલ્ફ ડિસિપ્લિન કેળવવઉં પડશે: ડો. અશ્વિન વસાવા
નવી સિવિલ હોસ્પિ.ના કોવિડ હેડ ડો.અશ્વિન વસાવાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ઓકિસજનની ચિંતા મોટી છે. લોકો ગંભીરતાથી નહીં લે તો આગામી વીકથી સુરતની સ્થિતિ ભયાનક બને તેમ છે. આ વખતે ગંભીર અને ઓકિસજન ડિમાન્ડ પેશન્ટની સંખ્યા ખુબ વધી ગઇ છે.
દાખલ થતા પેશન્ટી સંખ્યા વધશે તો ભયાનક હાલત : ડો.મુકુર પેટ્રોલવાળા
શહેરના સિનિયર ડોકટર મુકુર પેટ્રોલવાલાએ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં જો ઇન્ડોર પેશન્ટની સંખ્યા વધી તો મોટી સમસ્યા પેદા થશે. ગઇકાલે અધિકારીઓ સાથે બેઠકમાં પણ ઓકિસજનની વધી રહેલી ડિમાન્ડ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી છે.