પારડી GIDCની બાજુમાં બાલદામાં આવેલી બાલદા ઈશ્વર નગર સોસાયટીમાં ગણેશ મંડળના આયોજકોએ શરમજનક કૃત્ય કર્યુ હતું. આયોજકોએ અહીં સુરત-બિહારથી બે ડાન્સર યુવતીઓને બોલાવી ગણેશ મંડપમાં ડાન્સ કરાવાયો હતો. આ ડાન્સ જોવા સેંકડો લોકો ભેગા થયા હતા. બાળકોએ સૌથી આગળ જમીન પર બેસી ડાન્સર યુવતીઓને ઠુમકા લગાવતા જોઈ, જેનો વિડીયો અનેક લોકોએ ઉતાર્યો હતો અને વાયરલ કર્યો હતો. જેમાં કેટલાક લોકો ચલણી નોટો ઉડાડતાં જોવા મળ્યા હતા. તે સમયે કોઈકે આ વિડીયો પારડી પોલીસ સુધી પહોંચાડી દેતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ તરત જ હરકતમાં આવી સ્થળ પર પહોંચી બંને ડાન્સર યુવતી, મુખ્ય આયોજક મોતીલાલ શર્મા સહિત 9 શખ્સો સામે કાર્યવાહી કરી સાઉન્ડ સિસ્ટમ કબજે કરી હતી.
પારડી GIDCની બાજુમાં બાલદામાં આવેલી ઈશ્વર નગર સોસાયટીમાં સાત દિવસના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ જાહેર ઉજવણીમાં બુધવારે રાત્રે સોસાયટીના મંડળે સુરત-યુપી બિહારની બે ડાન્સર યુવતીઓને બોલાવી હતી. આ બંને યુવતીએ ભોજપુરી ગીતો પર ઠુમકા લગાવ્યા હતા. આ કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેમજ આ વિડીયો તરત કોઈકે પારડી પોલીસ સુધી પહોંચાડ્યો હતો. આ વિડીયો જોઈ તરત પારડી પોલીસ મથકના પીએસઆઈ કે.એમ. બેરિયાની ટીમ ઈશ્વર નગર સોસાયટીમાં પહોંચી હતી અને ગણેશ ઉત્સવમાં ડાન્સ કરતી બંને યુવતી તેમજ મુખ્ય આયોજક મોતીલાલ શર્મા સહિત 9 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી તેમજ લાઉડ સ્પિકર, માઇક, એમ્પ્લિફાયર વગરે સાધન સામગ્રી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કેટલાકે નાચતી યુવતીઓ પર ચલણી નોટો ઉડાડી? : બાળકોએ પણ બેસીને ડાન્સ જોયો
જોકે ગણેશજીના મંડપમાં યુવતીઓ ભોજપુરી ગીતો પર ઠુંમકા લગાવ્યા હતા. અહીં નાચતી યુવતી પર ફિદા થઈ અનેકે ચલણી નોટો ઉડાડી હોવાનું જાણવા મળ્યું છે. આવો વિડીયો જોઈ નાના ભૂલકાઓ પર શું અસર પડે તેવા પ્રશ્નો ઉઠ્યા છે તેમજ કોરોનાની ગાઈડ લાઇનના, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને અહી કોરોનાને આમંત્રણ આપવા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી જ્યારે આયોજકોને ડાન્સરને બોલાવવાનું ભારે પડ્યું હતું.
કોની કોની ધરપકડ કરાઈ
- આયોજક મોતીલાલ ભિખારી શર્મા
- સૂરજ મહાવીર નાઈ,
- પૂરણસીંગ કેશલસીંગ રાજપૂત
- રણજીત ગણપત પટેલ
- વલ્લભ નમલાભાઇ પટેલ
- ખુશ્બુ રિંકલભાઈ પટેલ (આ છ શખ્સો રહે. બાલદા, તા. પારડી)
- મ્યુઝિક ઓપરેટર ભગવતી ઇન્દ્રમણ વિશ્વકર્મા (રહે. વાપી)
- રિંકલબેન સુભાષભાઈ ચૌધરી (મૂળ બિહાર હાલ રહે. સુરત)
- અલ્કા અશોક પ્રસાદ ગુપ્તા (રહે. પટના, બિહાર)