ભારતમાં આજે સતત બીજા દિવસે કોરોનાવાયરસના નવા બે લાખથી વધુ કેસ નોંધાયા છે ત્યારે કેન્દ્ર સરકારે આજે સ્વદેશી રસી કોવેક્સિનનું ઉત્પાદન દસ ગણું વધારવાની યોજનાઓ ખુલ્લી મૂકી છે. આ ઉપરાંત મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની પણ હાકલ કરી છે.
દેશના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજનની તંગીના અહેવાલો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો પુરતો પુરવઠો મળી રહે તે માટે એક વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી અને જણાવ્યું હતું કે આનો પુરવઠો વધારવા માટે પગલાંઓ લેવાવા જોઇએ.
ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી(ડીબીટી)એ જણાવ્યું છે કે કોવેક્સિનનું ઉત્પાદન મે-જૂન સુધીમાં બમણું કરી દેવામાં આવશે અને તે માટે તે ત્રણ જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે પુરવઠો વધારવા સંપર્કમાં છે. કોવેક્સિનની ઉત્પાદન ક્ષમતા મે-જૂન ૨૦૨૧ સુધીમાં બમણું અને જુલાઇ-ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં ૬થી ૭ કરોડ વેક્સિન ડોઝ પ્રતિ મહિને કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર ૨૦૨૧ના મહિના સુધીમાં તેનું ઉત્પાદન ૧૦ કરોડ ડોઝ પ્રતિ મહિને કરવામાં આવશે.
ડીબીટીએ જણાવ્યું હતું કે કોવેક્સિન રસીનું ઉત્પાદન વધારવા માટે ભારત બાયોટેક ઉપરાંત અન્ય જાહેર ક્ષેત્રના ઉત્પાદકોની ઉત્પાદકતા વધારવામાં આવી રહી છે જે મુજબ જરૂરી માળખું અને ટેકનોલોજી વિકસાવવામાં આવી રહ્યા છે.