World

સાઉદીમાં ગરમી જીવલેણ બની: એક અઠવાડિયામાં મક્કામાં 550 હજ યાત્રીઓના મોત

નવી દિલ્હી: સાઉદીના મક્કા શહેરમાં ગઈ તા. 14 જૂનથી હજ યાત્રા શરુ થઈ છે. વિશ્વભરમાંથી મુસ્લિમ હજ યાત્રીઓ મક્કા પહોંચ્યા છે. જોકે, હાલમાં મક્કામાં ભીષણ ગરમી છે. તાપમાનનો પારો 52 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ભારે ગરમીના લીધે હજ યાત્રીઓની તબિયત બગડી રહી છે. પાછલા એક અઠવાડિયામાં જ મક્કામાં ગરમીના લીધે 550 હજ યાત્રીઓના મોત થયા છે. તેમાં મોટા ભાગના ઇજિપ્ત અને જોર્ડનના છે. ભારતીય હજ યાત્રીઓ સુરક્ષિત હોવાની વિગતો જાણવા મળી છે.

હજ કરવા માટે સાઉદી અરેબિયા ગયેલા વિશ્વભરના મુસ્લિમો માટે આ વર્ષે સખત ગરમી એક મોટો પડકાર બની ગયો છે. ગરમીના કારણે અત્યાર સુધીમાં સાઉદી અરેબિયાના મક્કામાં હજ માટે પહોંચેલા 550 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ગરમીના કારણે હજારો હાજીઓને બિમારીઓનો સામનો કરવો પડ્યો છે. તમામ વ્યવસ્થાઓ હોવા છતાં સાઉદી અરેબિયામાં કાળઝાળ ગરમીએ ગયા વર્ષે પણ 240 હજ યાત્રીઓના જીવ લીધા હતા.

આ વર્ષે આ સંખ્યામાં વધુ વધારો થયો છે, આ વર્ષે 323 ઇજિપ્તના નાગરિકો છે અને 60 જોર્ડનિયનના મોત થયા છે. આ સિવાય ઈરાન, ઈન્ડોનેશિયા અને સેનેગલના તીર્થયાત્રીઓના પણ મોત થયા છે. સાઉદીમાં જે રીતે તાપમાન વધી રહ્યું છે તેને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષોમાં હજ યાત્રા ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે.

 સાઉદી રાજ્ય ટીવીએ અહેવાલ આપ્યો છે કે મક્કામાં ગ્રાન્ડ મસ્જિદના શેડમાં સોમવારે તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ (125.2 ફેરનહીટ) નોંધવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીમાં હાજીઓ માટે સ્વસ્થ રહેવું એક પડકાર બની રહ્યું છે. આગામી વર્ષોમાં આ પડકાર વધુ વધી શકે છે.

જર્નલ ઑફ ટ્રાવેલ એન્ડ મેડિસિન દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ 2024 સુધીમાં, વધતું વૈશ્વિક તાપમાન ગરમીનો સામનો કરવા માટે સમગ્ર વિશ્વમાં બનાવવામાં આવી રહેલી વ્યૂહરચનાઓને પાછળ છોડી શકે છે. જેની સીધી અસર સાઉદી જેવા ગરમ દેશ પર પડશે.

ગરમીના કારણે હાજીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે
જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સમાં 2019ના અભ્યાસમાં જણાવાયું છે કે હવામાન પરિવર્તનને કારણે શુષ્ક સાઉદી અરેબિયામાં તાપમાન વધવાને કારણે હજ કરી રહેલા યાત્રાળુઓને ભારે જોખમોનો સામનો કરવો પડશે. આ વર્ષે ભારે ગરમીના કારણે મૃત્યુ થયા છે અને સાઉદીની હોસ્પિટલોમાં ભીડ વધી છે. આને જોતા કેટલાક નિષ્ણાતો એવો પણ દાવો કરી રહ્યા છે કે આવનારા વર્ષોમાં ઓછામાં ઓછા વૃદ્ધો માટે હજ કરવી અશક્ય બની જશે.

Most Popular

To Top