વૉશિંગ્ટન, તા. 22: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનના વિદેશ વિભાગે એક નવી નીતિ અમલમાં મૂકી છે જેના હેઠળ જેઓ અમેરિકાના માન્ય વિઝા ધરાવે છે તેમની પણ હકાલપટ્ટી થઇ શકે છે. એક અગ્રણી સમાચાર એજન્સીએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે અમેરિકાનો વિદેશ વિભાગ એવા પપ મિલિયન વિદેશીઓના રેકર્ડ્સની ચકાસણી કરી રહ્યું છે જેઓ વિઝા ધરાવે છે. તેમની ચકાસણીમાં એ જોવામાં આવશે કે વિઝા પર રહેતા આ રહીશોએ કોઇ નિયમો તોડ્યા છે કે કેમ? અને તેને કારણે અમેરિકામાં રહેવા માટે તે ગેરલાયક ઠરે છે કેમ? વિદેશ વિભાગે જણાવ્યું હતું કે વિઝા હોલ્ડરોની સતત ચકાસણી થઇ શકે છે.
અમે ચકાસણીના ભાગરૂપે તમામ ઉપલબ્ધ માહિતીની ચકાસણી કરીએ છીએ, જેમાં કાયદા અમલીકરણ અને ઇમિગ્રેશન રેકર્ડ્સનો સમાવેશ થાય છે અને એ જોવામાં આવે છે કે વિઝા અપાયા બાદની એવી કોઇ પણ માહિતી પ્રકાશમાં આવે છે કે જે સંભવિત જવાબદારીનો સંકેત આપે એમ વિદેશ વિભાગે જણાવ્યું હતું. વિદેશ વિભાગે જણાવ્યું હતું કે તે એવા વ્યક્તિઓને શોધી રહ્યું છે જેઓ તેમના વિઝાની મુદત કરતાં વધુ સમય રોકાયા છે, ગુનાહિત પ્રવૃત્તિ કરી છે અને જાહેર સલામતી માટે જોખમી છે. ખાસ કરીને કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ થવાનો અથવા આતંકવાદી સંગઠનને ટેકો પૂરો પાડવાની બાબતનો આમાં સમાવેશ થાય છે. જો કોઈ ઉલ્લંઘન જોવા મળે છે તો વ્યક્તિના વિઝા રદ કરી શકાય છે – અને બીજી ટ્રમ્પ સરકારના આગમન પછી દેશનિકાલ કરાયેલા હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની જેમ તેમને પણ દેશનિકાલ કરી શકાય છે. નીતિમાં ફેરફાર એ સૂચવે છે કે વિઝા ધારકો કાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં હોવા છતાં તેમની હકાલપટ્ટીમાં મોટો વધારો થયો છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના સૌથી મોટા સામૂહિક દેશનિકાલનું વચન આપતા બીજા કાર્યકાળમાં જીત મેળવી હતી પરંતુ તેમના પ્રચારના ભાષણો મુખ્યત્વે દક્ષિણ સરહદથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં આવતા સ્થળાંતર કરનારાઓ પર કેન્દ્રિત હતા. વહીવટીતંત્રે વિઝા અરજદારો પર સતત વધુ નિયંત્રણો અને આવશ્યકતાઓ લાદી છે, જેમાં તેમને રૂબરૂ ઇન્ટરવ્યુ આપવાની ફરજ પાડવાનો સમાવેશ થાય છે.
બધા વિઝા ધારકોની સમીક્ષા એ શરૂઆતમાં એક પ્રક્રિયાનું નોંધપાત્ર વિસ્તરણ હોય તેવું લાગે છે જે મુખ્યત્વે એવા વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત હતી જેઓ સરકાર પેલેસ્ટિનિયન તરફી અથવા ઇઝરાયલ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હતા. અધિકારીઓ કહે છે કે સમીક્ષાઓમાં બધા વિઝા ધારકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, કાયદા અમલીકરણ રેકર્ડ્સ અને તેમના વતનમાં ઇમિગ્રેશન રેકોર્ડ્સનો સમાવેશ થશે, તેમજ તેઓ અમેરિકામાં હતા ત્યારે થયેલા યુએસ કાયદાના કોઈપણ કાર્યવાહીપાત્ર ઉલ્લંઘન અંગેની ચકાસણીનો પણ સમાવેશ થશે.
અમેરિકાએ કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરો માટે વર્ક વિઝા બંધ કર્યા
વોશિંગ્ટન. અમેરિકા કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા આપવાનું બંધ કરશે, એમ વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું છે. ગુરુવારે એક્સ પર એક પોસ્ટમાં આ પગલાની જાહેરાત કરતા રુબિયોએ કહ્યું કે આ ફેરફાર તાત્કાલિક અમલમાં આવશે. ‘અમેરિકાના રસ્તાઓ પર મોટા ટ્રેક્ટર-ટ્રેલર ટ્રક ચલાવતા વિદેશી ડ્રાઇવરોની વધતી સંખ્યા અમેરિકન જીવનને જોખમમાં મૂકી રહી છે અને અમેરિકન ટ્રક ડ્રાઇવરોની આજીવિકાને ઓછી કરી રહી છે’, એમ રુબિયોએ પોસ્ટ કર્યું. અમેરિકામાં કામ કરતા વિદેશી ટ્રક ડ્રાઇવરોની સંખ્યા અંગેના પ્રશ્નનો વિભાગે તાત્કાલિક જવાબ આપ્યો ન હતો. ટ્રમ્પ વહીવટીતંત્રે છેલ્લા મહિનાઓમાં ટ્રક ડ્રાઈવર દ્વારા અંગ્રેજી બોલવાની અને વાંચવાની જરૂરિયાત લાગુ કરવા માટે પગલાં લીધાં છે. પરિવહન વિભાગે જણાવ્યું હતું કે ડ્રાઇવરો દ્વારા ચિહ્નો વાંચવામાં અથવા અંગ્રેજી બોલવામાં અસમર્થતા માર્ગ અકસ્માતના મૃત્યુમાં વધારો કરી શકે છે તેવા બનાવોને પગલે માર્ગ સુરક્ષામાં સુધારો કરવાનો ઉદ્દેશ્ય છે.