SURAT

વૃદ્ધાનું વેક્સિનને કારણે મોત થયાનો આક્ષેપ કર્યો પરંતુ બાદમાં ખબર પડી કે હત્યા કરાઈ હતી

સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવકે 20 વર્ષથી લીવઇનમાં રહેતી વૃદ્ધ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે કોરોનાની વેક્સિન લીધા પછી તબિયત લથડતાં તેનું મોત થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. આ બાબત ગંભીર હોવાથી વૃદ્ધાનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં તેનું ગળું દવાબી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

ડિંડોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડિંડોલી સંતોષીનગરમાં રહેતા 45 વર્ષીય રોહિત સીમાંચલ સ્વાઈને વીસ વર્ષથી સુલતાના (ઉ.વ.65) નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. બંને વીસ વર્ષથી લીવઈનમાં રહેતા હતા. ત્રણ દિવસ પહેલા સુલતાનાનું ઘરમાં મોત થયું હતું.

વૃદ્ધાના મોતની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વૃદ્ધાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. દરમિયાન રોહિતે પોલીસને નિવેદન આપ્યું હતું કે, એક દિવસ પહેલા સુલતાનાએ વેક્સિન લીધી હતી અને તે લીધા બાદ બેભાન થઈ જતા તેનું મોત થયું છે. રોહિતના નિવેદનબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ગઈકાલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં મોતનું કારણ ગળું દબાવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે રોહિતની અટકાયત કરી આ અંગે વધારે પુછપરછ હાથ ધરી છે.

વૃદ્ધાની હત્યા કર્યા બાદ દારૂ પીને સુઈ રહ્યો હતો

રોહિત રોજ દારૂ પીને વૃદ્ધાને મારપીટ કરતો હતો. ઝઘડો થયો તે દિવસે વૃદ્ધાને માર માર્યો ત્યારે ગળુ દબાવતા મોત થયું હતું. વૃદ્ધાનું મોત થયા પછી પણ તેને કોઈને જાણ કરી નહોતી અને દારૂ પીને સુઈ રહ્યો હતો. બીજા દિવસે સવારે ઉઠીને પોલીસને જાણ કરી વેક્સિનથી મોત થયાનું નાટક ઘડી કાઢ્યું હતું.

Most Popular

To Top