વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદના વિવાદાસ્પદ સ્થળે ખોદકામ કરીને સર્વેક્ષણ કરવા માટે ભારતીય પુરાતત્વ વિભાગને વારાણસીની એક અદાલત દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
આ મંદિર અને મસ્જિદના પરિસરના સ્થળમાં ખોદકામ કરવાનો ખર્ચ ઉત્તર પ્રદેશ સરકાર ભોગવશે એવો આદેશ સ્થાનિક અદાલત દ્વારા આપવામાં આવ્યો છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(એએસઆઇ) હવે મંદિરના પક્ષકારોનો દાવો સાચો છે કે નહીં તે ચકાસવા માટે આ સ્થળે ખોદકામ કરી શકશે.
વારાણસીની સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેટલાયે દિવસથી આ બાબતે સુનાવણી ચાલી રહી હતી જે સુનાવણી હાલ બીજી એપ્રિલે પુરી થઇ હતી. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી અદાલતે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
આ પછી આજે અદાલતે પોતાનો ચુકાદો આપીને એએસઆઇને વિવાદાસ્પદ સ્થળે ખોદકામ કરવાની એએસઆઇને મંજૂરી આપી હતી જે રીતે અયોધ્યા વિવાદમાં એએસઆઇને ખોદકામની મંજૂરી આપવામાં આવી હતી.
જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન કમિટિએ આ સ્થળે આ રીતે સર્વેક્ષણ કરાવવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અંજુમન ઇંતેજામિયા કમિટિ અને સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ૧૯૯૧ના ધાર્મિક સ્થળ કાયદા મુજબ આ રીતે સર્વેક્ષણ કરી શકાય નહીં, જે કાયદાની જોગવાઇમાં અયોધ્યાને અપવાદ રાખીને બાકીના તમામ ધાર્મિક સ્થળોને ૧૯૪૭ની સ્થિતિએ યથાવત રાખવાનું જણાવાયું છે. જો કે અદાલતે આ દલીલ મંજૂર રાખ્યા વિના સર્વેક્ષણની મંજૂરી આપી છે. એક વકીલ અજય રસ્તોગીની અરજી પર આ આદેશ આપવામાં આવ્યો છે જે અરજીમાં કહેવાયું છે કે જ્ઞાનવાપી મસ્જિદના સ્થળે અગાઉ એક મંદિર હતું.