નડિયાદ તા.4
નડિયાદના ભેજાબાજ શખ્સે સરકારી નોકરી આપવાના બહાને ઠગાઇનો ખેલ ખેલ્યો હતો. આ શખ્સે ગાંધીનગરમાં તેની ઉંચી પહોંચ હોવાનું જણાવી અલગ અલગ વ્યક્તિ પાસેથી રૂ.53 લાખ જેવી માતબર રકમ પડાવી છેતરપિંડી આચરી હતી.
નડિયાદના રામ તલાવડી વિસ્તારમાં રહેતા અને આણંદ સ્થાયી થયેલા સચિનકુમાર નટુભાઈ પરમાર ક્રિશ્ચિયન કોલેજ ઓફ એજ્યુકેશનમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. સચિનના પત્ની અને ભાઇ બન્ને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે. આ દરમિયાન 2018માં સચિનનો મિત્ર અખિલેશ બી. શાહ તેમની ઓફિસમાં આવ્યો હતો અને ઓળખાણ હોવાની વાત કરી હતી. બાદમાં અખિલેશે અચાનક સચિનને ફોન કરી એક સાહેબ આવેલા છે. જો તારે મળવાનું હોય તો નડિયાદ ખેતા તળાવ પાસે આવી જા, એમ કહેતા સચિન ખેતા તળાવ પહોંચ્યાં હતાં. જ્યાં મનદીપસિંહ વાઘેલા નામના શખ્સ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વાતચીત કરી હતી. આ સમયે મંદીપે ગુપ્તા નામના મોટા અધિકારીનો ઉલ્લેખ કરી નાણા માંગ્યાં હતાં. આથી, સચિને હા પાડતાં થોડા દિવસ બાદ ફરી મળ્યાં હતાં. આ સમયે સંદીપે નોકરી પાકી હોવાનું કહી એક વ્યક્તિ દીઠ રૂ.15 લાખ લેખે પત્ની અને ભાઇની નોકરી માટે રૂ.30 લાખ માંગ્યાં હતાં. જેમાં એડવાન્સ પેટે રૂ.10 લાખ આપવાની વાત કરી હતી. બાદમાં એક દિવસ મનદીપે ફોન કરી નોકરીનું થઇ જશે તેમ કહી કુલ 5 વ્યક્તિના રૂ.75 લાખ માંગ્યાં હતાં. જેમાં એડવાન્સ પેટે સચિનના મિત્રોએ 4.5 લાખ આપ્યાં હતાં. જેથી દસ દિવસમાં એપોઇન્ટમેન્ટ લેટર આપવા ખાત્રી આપી હતી. જોકે, સચિનને ફરી અમદાવાદ બોલાવ્યો હતો. જ્યાં તેમણે ચિરાગ પટેલ, ધવલ પટેલ અને જીગર નામના વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો અને જરૂરી વાતચીત બાદ સચિનના મિત્રો પાસેથી કુલ રૂ.53.02 લાખ ટ્રાન્સફર કરાવ્યાં હતાં. આશ્ચર્યજનક બાબત હતી કે, તે સમયે ગુપ્તા નામના શખ્સે પણ તેમને કામ પુરૂ કરી દેવાની ખાતરી આપી હતી. જો કે, નોકરી ન મળતા ફ્રોડ થયાનું ક્લાર્ક અને તેના મિત્રવર્તુળને જણાયુ હતુ. બાદમાં ઉપરોક્ત વ્યક્તિઓને ફોન કરી આપેલા નાણા પરત આપવાનુ જણાવતા ઉપરોક્ત પાંચય લોકોએ પતાવી દઈશું તેવી ધમકી આપી હતી.
આથી સચિનભાઈ અને તેમના મિત્રો પાસેથી ઉપરોક્ત પાંચેય લોકોએ કુલ રૂપિયા 53 લાખ 2 હજાર 970 પડાવી લઈ સરકારી નોકરી ન આપતા સચીનભાઈ પરમારે નડિયાદ ટાઉન પોલીસમાં આ મનદિપસિહ વાઘેલા, ચિરાગ પટેલ, ધવલ પટેલ, જીગર અને ગુપ્તા નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી સાહિતની કલમોનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદના નોકરી વાંચ્છુઓ સાથે 53 લાખની ઠગાઇ
By
Posted on